લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જાન્યુઆરી 2026 |
1980
ગાંધીનગર, કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (વીજીઆરસી) ૨૦૨૬નું તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે કરાયું છે. બે દિવસીય આ ઐતિહાસિક સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ‘પંચામૃત’ લક્ષ્યોની રૂપરેખા આપી છે: જેમાં ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવી, નવીનીકરણીય સ્ત્રોતોમાંથી દેશની ૫૦% ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવી, કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટન ઘટાડો કરવો, ૨૦૩૦ સુધીમાં કાર્બન તીવ્રતામાં ૪૫% ઘટાડો કરવો અને ૨૦૭૦ સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવું. નવીનીકરણીય ઊર્જામાં અગ્રેસર ગુજરાત, વિવિધ નીતિઓ, મોટા પાયે પ્રોજેક્ટ્સ અને તેના સ્વચ્છ ઊર્જા ઇકોસિસ્ટમને મજબૂત બનાવતી પહેલ દ્વારા આ માર્ગ પર આગળ વધી રહ્યું છે. આ દ્રષ્ટિકોણ સાથે સંરેખિત થતાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (ઇપીડી) વીજીઆરસી માં વિવિધ પ્રકારના સેમિનાર, રાઉન્ડ ટેબલ અને પેનલમાં ચર્ચાઓ રજૂ કરશે. જેમાં તા. ૧૧મીના રોજ એટલે કે, પ્રથમ દિવસે ‘તકોનો મહાસાગર–બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર’ વિષય પર સીઇઓ રાઉન્ડટેબલ બેઠક યોજાશે, જેમાં ગ્રીન સ્ટાર્ટઅપ્સ ફાયરસાઇડ ચેટ, બ્લુ એનર્જી અને હરિત રોકાણોની સંભાવનાઓ પર ચર્ચા થશે. સાથે જ ‘કાર્બન ટુ ક્રોપ્સ: ગ્રીનર મોલેક્યુલ્સ, ગ્રેટર યીલ્ડ્સ’ વિષયક બેઠકમાં કાર્બન કૅપ્ચર આધારિત કૃષિ ઉકેલો પર ફોકસ કરવામાં આવશે. આ ઉપરાંત ‘ગુજરાત – ઇન્ડિયાઝ એનર્જી ગેટવે: લીડિંગ ધ કર્વ ઇન ઓઇલ એન્ડ ગેસ’ સત્ર, સાથે પ્રદર્શન-કમ- ટ્રેડ શો યોજાશે, જેમાં ડે-ટાઇમ પાવર ટુ એગ્રીકલ્ચર, રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન માટે ખાતરીપૂર્વકની કનેક્ટિવિટી અને પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ સોલાર રૂફટોપમાં અખિલ ભારતીય શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવવામાં આવશે.