વટવામાંથી બે દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જાન્યુઆરી 2026  |   2376

અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વટવાના બીબી તળાવ ચાર રસ્તા પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચીને હથિયાર સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલા આરોપીની ઓળખ વટવાના રહેવાસી યુસુફ ઉર્ફે મામા હસનભાઈ પટેલ તરીકે થઈ છે. માન્ય લાઇસન્સ કે પરમિટ વિના હથિયારો અને દારૂગોળો રાખવા બદલ તેની સામે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં વ્યક્તિઓ અને મિલકત વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા ફરાર ગુનેગારોને શોધવાના હેતુથી પેટ્રોલિંગ અભિયાનના ભાગ રૂપે ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ગેરકાયદે હથિયારો રાખતો યુસુફ વટવાના બીબી લેક ક્રોસરોડ્સ પર અલ્લાહ મસ્જિદ પાછળ એક ખુલ્લા પ્લોટમાં બેઠો હતો. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક ખાનગી વાહનમાં ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ઝડપી પાડ્યો હતો. આરોપીના જેકેટના અંદરના ખિસ્સામાંથી એક દેશી બનાવટની લોખંડની પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. પિસ્તોલ ખાલી મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેના નિવાસસ્થાને બીજી પિસ્તોલ પણ છુપાવી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ યુસુફના ઘરે પહોંચીને ચકાસતા તિજાેરીમાંથી અન્ય એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. જપ્ત કરવામાં આવેલા હથિયારની કિંમત ૫૦,૮૦૦ રૂપિયા આંકવામાં આવે છે. આરોપી યુસુફે આ પિસ્તોલ અને કારતૂસ લગભગ અઢી મહિના પહેલા મધ્યપ્રદેશના અલીરાજપુર અને ભાવરા વિસ્તારમાંથી ખરીદ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution