21, માર્ચ 2025
નવી દિલ્હી,શુક્રવારે બજેટ સત્રના આઠમા દિવસે અમિત શાહે ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચાનો જવાબ આપ્યા હતોે. શાહે કહ્યું કે ચર્ચા દરમિયાન કેટલાક ઉપયોગી સૂચનો સામે આવ્યા છે. અમારી ખામીઓ દર્શાવવામાં આવી છે. કેટલીક રાજકીય ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. કેટલાક રાજકીય આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. હું બધાને સંસદીય ભાષામાં જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
નક્સલવાદ વિશે બોલતાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે, કોઈએ ડાબેરી ઉગ્રવાદને રાજકીય સમસ્યા ગણાવી છે. આ વિચાર પર મને દયા આવે છે. ૫-૨૫ વર્ષમાં કોઈ વિકાસ સુધી નથી પહોંચાડી શક્યા. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે દેશની વ્યવસ્થાનું પાલન ન કરવું જાેઈએ. હિંમત જુઓ, તેમણે પશુપતિનાથથી તિરુપતિ સુધીના અનેક પોલીસ સ્ટેશનો પર કબજાે કર્યો અને એક સમાંતર વ્યવસ્થા અને ચલણ ચલાવ્યંંું હતુંું. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ દેશમાંથી ડાબેરી આતંકવાદનો અંત આવશે. અમે સંવાદ, સુરક્ષા અને સંકલનના સિદ્ધાંતોના આધારે ડાબેરી ઉગ્રવાદ સામે લડી રહ્યા છીએ.૨૦૦૪થી ૨૦૧૪ અને ૨૦૧૪થી ૨૦૨૪ વચ્ચે થયેલી આતંકવાદી ઘટનાઓ પર તેમણે કહ્યું, કોઈને સમજવું જાેઈએ કે હું કોંગ્રેસનું નામ કેમ લઈ રહ્યો છું. હું તેમની સાથે તેની સરખામણી કેમ કરી રહ્યો છું? હું કહી રહ્યો છું કે જાે ભાજપનો કોઈ ગૃહમંત્રી ૧૦ વર્ષ પછી આવશે, તો તે અમારા જ આંકડા આપશે, તમારા નહીં. આ પહેલા તમારુંં શાસન હતું, તેથી હું તમારા આંકડા આપી રહ્યો છું. હું તમને કહેવા માગું છું કે અગાઉ નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૧૨૬ હતી. હવે ૧૨ બાકી છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ, શૂન્ય હશે. હું ગૃહને આ ખાતરી આપવા માગું છું.
તેઓએ આગળ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં છેલ્લા ૧૦ વર્ષમાં ઘણું બદલાયું છે. પૂર્વોત્તરમાં આતંકવાદ, નક્સલવાદ અને બળવાખોરી આપણને પાછલી સરકારે વારસા તરીકે સોંપી હતી. આ એક દુ:ખાવો બની ગયો હતો. ૨૦૧૪માં જ્યારે અમારી સરકાર બની, ત્યારે અમે આ ત્રણ મોરચે લડ્યા.
ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીર વિશે બોલતાં કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં વિપક્ષના ૩૩ વર્ષના શાસન દરમિયાન ત્યાં સિનેમા હોલ પણ ખુલ્યા ન હતા. અમે ૨૦૧૯માં કલમ ૩૭૦ દૂર કરી. જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલાં જી૨૦ સમિટમાં દુનિયાભરના રાજદ્વારીઓ આપણે ત્યાં આવ્યા હતા. અમે ત્યાં સફળતાપૂર્વક ચૂંટણીઓ પણ યોજી. એક પણ ગોળી ચલાવવામાં આવી ન હતી. જે લોકો કાળા ચશ્મા પહેરીને આંખો બંધ કરીને બેઠા છે તેમને આ દૃશ્ય બતાવી શકાતું નથી. જાે આતંકવાદી તમારી નજરમાં હોય, તો તે તમારા સપનામાં પણ તમારી પાસે આવશે.
૧૦ દિવસની અંદર પાકિસ્તાને તેમના ઘરોમાં હવાઈ હુમલા કરીને જવાબ આપ્યો :ગૃહમંત્રી
અમિત શાહે કહ્યું, ‘પહેલાં આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીર આવતા હતા. મોદીજીના આગમન પછી પણ હુમલા થયા હતા. ઉરી અને પુલવામામાં હુમલા થયા હતા. ૧૦ દિવસની અંદર, પાકિસ્તાને તેમના ઘરોમાં હવાઈ હુમલા કરીને જવાબ આપ્યો હતો. દુનિયામાં ઇઝરાયલ અને અમેરિકાની યાદીમાં મહાન ભારતનું નામ ઉમેરાયું છે, જ્યાં આવી કાર્યવાહી કરવામાં આવી છે.
બાર કાઉન્સિલમાં આતંકી પરિવારના સભ્યો હતા, જે આજે જેલમાં છે
ગૃહમંત્રીએ કહ્યું હતું કે, અમે ઘણા પગલાં લીધાં છે, જેના કારણે આતંકવાદ સાથે જાેડાનારા ભારતીય બાળકોની સંખ્યા લગભગ શૂન્ય થઈ છે. જ્યારે પણ આતંકવાદીઓ માર્યા જતા, ત્યારે એક મોટું સરઘસ કાઢવામાં આવતું. આજે પણ આતંકવાદીઓને મારી નાખવામાં આવે છે અને જ્યાં માર્યા જાય છે ત્યાં જ દફનાવવામાં આવે છે. પરિવારનો એક સભ્ય આતંકવાદી બની જતો અને પરિવારના સભ્યો આરામથી સરકારી નોકરીમાં કામ કરતા હતા. અમે તેને દૂર કરવાનું કામ કર્યું છે. આતંકવાદીઓના પરિવારના સભ્યો બાર કાઉન્સિલમાં બેઠા હતા અને વિરોધ પ્રદર્શનો થતાં હતા. આજે તે શ્રીનગર કે દિલ્હીની જેલમાં છે.
એ જ લાલ ચોકમાં, કોઈ ઘર એવું નહોતું જેના પર તિરંગો ન હોય
અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, મુરલી મનોહર જાેશીના નેતૃત્વમાં લાલ ચોક ખાતે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમને લાલ ચોક જવાની પરવાનગી મળી રહી ન હતી. જ્યારે અમે આગ્રહ કર્યો, ત્યારે અમારે સૈન્ય રક્ષણ હેઠળ જવું પડ્યું અને ઉતાવળમાં ત્રિરંગો ફરકાવીને પાછા ફરવું પડ્યું. એ જ લાલ ચોકમાં, હર ઘર તિરંગા અભિયાનમાં કોઈ ઘર એવું નહોતું જેના પર ત્રિરંગો ન હોય.