અમદાવાદ-

આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. નાગદેવતાને દૂધ ચડાવવામાં આવે છે. શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા અર્ચના કરે છે, હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમી પણ સમાવેશ થાય છે. નાગપંચમીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે, ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે નાગદેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. આજના દિવસની વિશેષ ઉજવણી હિન્દુ ધર્મગ્રંથોમાં દેવો અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધ સાથે સંકળાયેલી જોવા મળે છે. સમુદ્ર મંથન વખતે અમૃત પીવાને લઈને દેવો અને દાનવો વચ્ચે ભયાવહ યુદ્ધ સર્જાયું હતું, ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને દેવો અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી કરી હતી, આ દરમિયાન વિષ્ણુ ભગવાન દ્વારા દેવોને અમૃતનું પાન કરાવ્યા બાદ દાનવોને અન્ય ઘડામાંથી અમૃત સિવાયનું પાન કરાવવામાં આવતું હતું, જેની જાણ દાનવોને થતા દાનવો સૂર્ય અને ચંદ્રની વચ્ચે બિરાજમાન થઈને અમૃતનું પાન કરી લેય છે, આવા સમયે ભગવાન વિષ્ણુને દાનવો અમૃતનું પાન કરી ગયા છે, તેવી જાણ થતાં તેમના શીશનું છેદન કરી દેવામાં આવે છે, આથી દાનવને બે ભાગ કરવામાં આવતા એક ભાગને રાહુ અને બીજા ભાગને કેતુ નામ આપવામાં આવ્યું હતું,

 નાગની પૂજાનુ મહત્વ

 ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે. નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે. તેથી તેને ક્ષેત્રપાળ પણ કહેવાંમાં આવે છે. જીવ જંતુ, ઉંદર વગેરે જે પાકને નુકશાન કરે છે તેનો નાશ કરે છે અને ખેતરમા પાકનુ રક્ષણ કરે છે. નાગ દેવતા પ્રકૃત્તિ અને માનવી સાથે તાલમેલ દર્શાવે છે.

“નાગ પંચમી”ની પૂંજા કેવી રીતે કરવામાં આવે છે?

નાગ પંચમીના દિવસે પાણીયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્ર દોરી ઘીનો દિવો કરી પૂંજા કરે છે, શ્રીફળ અને કુલેર ધરાવવામાં આવે છે. બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે. આ દિવસે બાજરીની કુલેર જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે, ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે. આ  બાજરીની કુલેર અને ઠંડુ જમીને મહિલાઓ ઉપવાસ કરતી હોય છે. કેટલીક જગ્યાએ પુરૂષો પણ આ દિવસે ઉપવાસ કરતા હોય છે.