લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જાન્યુઆરી 2026 |
2376
અમદાવાદ, શહેરના નરોડા, ઓઢવ અને સાબરમતી વિસ્તારમાં ઝવેરીઓની દુકાનમાંથી ચાલાકી પૂર્વક સોનાની વીંટીઓની ચોરી કરતી એક રીઢા મહિલા આરોપીને નરોડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી કુલ ૨.૯૦ લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ આદરી છે. નરોડા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે પોલીસ ડી સ્ટાફ પીએસઆઇ, કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી કે, જુદી જુદા જગ્યાએ નજર ચૂકવી દાગીના ઉઠવનાર મહિલા નરોડા સ્મશાન ચાર રસ્તા પાસે ઉભી છે. જેના આધારે પોલીસે દરોડો પાડી પ્રવિણાબેન ઉર્ફે ટીની (રહે. કિશનવાડી, વડોદરા) ને ઝડપી લીધી હતી.પકડાયેલ મહિલાની પૂછપરછમાં જણાવ્યું હતું કે, આરોપી મહિલા જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને જતી અને જેન્ટ્સ વીંટીઓ જાેતી હતી. જ્યારે સોની અન્ય દાગીના બતાવવામાં વ્યસ્ત હોય, ત્યારે તે નજર ચૂકવી પોતાની પાસે રહેલી નકલી (બગસરાની) વીંટી ત્યાં મૂકી દઈ અસલી સોનાની વીંટીની ચોરી કરી લેતી હતી. પોલીસે આરોપી મહિલા પાસેથી એક સોનાની રણી (૭.૯૭૦ ગ્રામ) કિંમત રૂ.૯૯,૧૪૦, ત્રણ સોનાની જેન્ટ્સ વીંટી જેની કુલ કિંમત આશરે રૂ. ૧,૯૧,૪૩૦ કબજે કરી છે. આ ધરપકડથી નરોડા પોલીસ સ્ટેશનના બે, ઓઢવનો એક અને સાબરમતી પોલીસ સ્ટેશનનો એક એમ કુલ ૪ ગુનાઓ ઉકેલાયા છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્રવિણાબેન અગાઉ પણ વડોદરાના લક્ષ્મીપુરા, વાડી, ગોત્રી, હરણી તેમજ ખેડાના કઠલાલ અને અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરી અને છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલી છે. નરોડા પોલીસે મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ટોળકીમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.