વડોદરા, તા.૨૩

શહેરની નિશાકુમારીએ એકલ પર્વતારોહણ અભિયાન હેઠળ કેદારનાથ વિસ્તારમાં આવેલ કેદારકંથા પર્વત ચોવિસ કલાકમાં બે વાર ચઢીને ટોચ પરથી સૂર્યોદય અને સુર્યાસ્ત બન્ને નિહાળ્યા હતા.

હિમાલયમાં હાલમાં ચારેકોર એટલો બરફ જામ્યો છે કે જાણે કે વૃક્ષો પાંદડાઓ પર બરફની જમાવટ થી થીજી ગયા છે.કાશ્મીરમાં વિકટ બરફ વર્ષાની “ચિલ્લાઈ કલાં” નામે ઓળખાતી મોસમ શરૂ થઈ છે.પવિત્ર કેદારનાથ ધામમાં અર્ધું શિવાલય બરફ થી ઢંકાઈ ગયું છે.તેવા સમયે વડોદરાની એક યુવતીએ હિંમતભેર કેદારનાથ વિસ્તારમાં આવેલા પ્રમાણમાં નાના કેદારકંથા શિખરનું એકલ પર્વતારોહણ અભિયાન હાથ ધર્યું છે. નિશાકુમારી ગણિતમાં અનુસ્નાતક છે અને તેણે જાણેકે હિમાલયમાં આ અભિયાન દ્વારા સાહસના શિખરો ની ઊંચાઈ માપવાનું શરૂ કર્યું છે અને તેની સાથે તે “ સ્ટ્રોંગ ઇન્ડિયા સ્ટ્રોંગ બેટિયાં ” અને “ બેટી બઢાઓ” નાસંદેશને પર્વત વિસ્તારના ગામોની શાળાઓ,શિખર ચઢી રહેલા પર્વતારોહી જૂથો અને પર્વતારોહકોને આપી રહી છે. નિશાકુમારીએ અગાઉ સ્વાતંત્ર્ય દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ચોવિસ કલાક સાયકલીંગ કરીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી.