24, ફેબ્રુઆરી 2023
વડોદરા, તા. ૨૧
વડોદરાની સૌથી જુની નાટક સંસ્થાનું નાટક “વન્સમોર દેશી ગુજરાતી ઓપેરા”ને આંમત્રીત કરવામાં આવ્યુ છે. આ નાટક આગામી દિવસોમાં કેવડીયા ખાતે પ્રસ્તૃત કરવામાં આવશે.
નેશનલ સ્કુલ ઓફ ડ્રામા દ્વારા ભારત રંગ મહોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. તેઓ દ્વારા આ રાષ્ટ્રીય સમારોહમાં આખા ભારત દેશમાંથી પસંદગી પામેલા નાટકો તા.૨૧ ફેબ્રુઆરી થી તા.૨૬ ફેબ્રુઆરી નારોજ કેવડીયા ખાતે પ્રદર્શિત કરવામાં આવશે. ત્રિવેણીનું સંગીતાત્મક નાટયસર્જન વન્સમોર દેશી ગુજરાતી ઓપેરા ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલું એકમાત્ર ગુજરાતી નાટક છે. આ નાટકની પરિકલ્પના અને એનું નિર્દેશન પી.એસ.ચારી દ્વારા કરવામાં આવ્યું છે એનું સંગીત સંચાલન મિશાલ ભાટિયા, માનસી દેસાઈ, શ્રેયાંગ વાયેડા, નૈસરગી દેસાઈ, જાગૃતિ વાડનેકર દ્વારા કરવામાં આવેલું છે. સહનિર્દેશમાં તૌસીફ ગૌધાવાલા, પ્રમથ પંડિત, નિસર્ગ રાવલ, ઈશિતા સરવૈયા, અને આનંદ જાેશીએ એમનો ફાળો આપ્યો હતો. આ નાટક ૧૪મી સદીથી ૨૧મી સદી સુધીના હાસ્યરસથી ભરપૂર અવનવા ગીતોનો રસથાળ જે તમને ભવાઈથી લઈને જૂની ગુજરાતી રંગભૂમિ, પારસી રંગભૂમિ અને આધુનિક રંગભૂમિ સુધીનો વૈવિધ્યસભર સંગીતને સફર કરાવશે. ઘણા દિગ્ગજાેના વન્સમોર સાંપડેલા સંગીત સર્જન સંગીતાત્મક નાટયસર્જન વન્સમોર દેશી ગુજરાતી ઓપેરામાં વણી લેવામાં આવેલા છે. ભવાઈના પ્રખ્યાત ગણેશવંદના અને મા અંબાના આવણુના ગીતો ઉપરાંત જૂની રંગભૂમિના ખ્યાતનામ ગીતો જેવા કે “ઝટ જાઓ ચંદન હાર લાવો, ઘુંઘટ નહીં ખોલું રે” અને તે સિવાય પારસી રંગભૂમિના વખણાયેલા હાસ્યગીતો અને કવ્વાલીઓ આ સંગીતસભર નાટયાત્મક પ્રસ્તુતિમાં ગુંથી લેવામાં આવ્યા છે.