અમદાવાદ-

રાજય સરકારે 2013-14 અને 2017-18 વચ્ચે પાણીના 6.30 લાખ નમુનાનું પરીક્ષણ કર્યું હતું અને એમાં જણાયું હતું કે એમાંના 18.3% પીવાલાયક નહોતા. કુલ સેમ્પલમાં 4.3%માં ફલોરાઈડનું પ્રમાણ વધુ હતું, 11.9માં નાઈટ્રેટ વધુ હતું અને 3.06 નમુનામાં ટીડીએસ ટોટલ ડિઝોલ્વ્ડ સોલીડસ વધુ હતું.

માર્ચ 2018 એ પુરા થતાં વર્ષ માટેના અહેવાલમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા (કેગ) એ જણાવ્યું હતું કે ચકાસણી ઝુંબેશમાં 78 રહેણાંક વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી અને એ દરમિયાન પાણીના 188 સેમ્પલ વેસ્ટ કરાયા હતા. રાસાયણીક પ્રદૂષણના કારણે કુલ 54 સેમ્પલ પીવાલાયક જણાયા નહોતા. 188 સેમ્પલમાંથી 40 રૂરલ વોટર સપ્લાય સ્કીમમાંથી લેવાયા હતા અને એમાંના 8 પ્રદૂષિત જણાયા હતા. 

રિપોર્ટમાં જણાવાયું છે કે 54 અનફીટ સેમ્પલમાંથી 41માં ફલોરાની અને નાઈટ્રેટનું પ્રમાણ નિયત માત્રાથી વધુ હોવા છતાં બીજો કોઈ વૈકલ્પિક સ્ત્રોત નહીં હોવાથી તેનો ઉપયોગ પીવા અને રાંધણ માટે થતો હતો. રિપોર્ટ અનુસાર 6.30 લાખ નમુનાઓમાંથી નાઈટ્રેટનું પ્રમાણ છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વધુ હતું. ફલોરાઈડનું ઉંચુ પ્રમાણ દર્શાવનારા નમુનાઓ છોટા ઉદેપુર, દાહોદ, બનાસકાંઠા અને ખેડા જિલ્લાના હતા. 

દરમિયાન કેગએ રાજય સરકારના પાણી પુરવઠા હેઠળ 36,000 ગામો આવરી લેવાયાના દાવાને ખોટો ગણાવ્યો છે. રિપોર્ટ મુજબ 91 ગ્રામીણ પીવાના પાણીની પુરવઠા સ્કીમો હેઠળ આવરી લેવાયેલા 2400 ગામોમાંથી માત્ર 1600ને પાણી મળતું હતું. બાકીના 765 ગામોમાંથી 258ને જળાશયમાં અપૂરતા જથ્થા આંતરિક વિતરણ નેટવર્ક અને નુકસાનગ્રસ્ત પાઈપોના કારણે પાણી મળતું નહોતું. 

કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ (એનઆરડીડબલ્યુપી) હેઠળ નિર્ણય લેવાયો હતો કે વર્ષ 2017 સુધીમાં તતમામ સરકારી શાળાઓને પીવાયોગ્ય પાણી આપવામાં આવશે. આ માટે ફંડ અપાયા હોવા છતાં 535 શાળાઓને પાણી આપવા કોઈ કામ હાથ ધરાયું નહોતું. કેગએ વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશનના 2015-16ના સર્વેને ટાંકી જણાવ્યું હતું કે 3000 શાળાઓમાંથી 2000માં પીવાના પાણીનો નિર્ધારિત સ્ત્રોત નથી.