દિલ્હી-

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાવવા જઈ રહ્યું છે. કોરોના મહામારીના સમયમાં શાનદાર કામગીરી અને દુશ્મની ભૂલી પાડોશી ધર્મ અદા કરતા કોરોના વેક્સીનનો જથ્થો અન્ય દેશોને પહોંચાડવાની કામગીરી બદલ વિશ્વ આરોગ્ય સંસ્થા અને દુનિયા આખી પીએમ મોદીની વાહવાહી કરી રહી છે. હવે પીએમ મોદીને ભારતના સસ્ટેનેબલ ડેવલપમેંટ બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આગામી સપ્તાહે યોજાનારા વાર્ષિક આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલન દરમિયાન પીએમ મોદીને સેરાવીક વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ પુરસ્કાર વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ લીડરશીપ પુરસ્કારથી નવાજવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉર્જા અને પર્યાવરણમાં સ્થિરતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવા માટે સન્માન મળશે. આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલનના આયોજક આઇએચએસ માર્કિટએ જણાવ્યું હતું કે, સંમેલન એકથી પાંચ માર્ચ વચ્ચે યોજાશે. આ વખતે આ સમ્મેલન વર્ચુઅલી આયોજિત કરવામાં આવશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય ભાષણ પણ આપશે. સંમેલનમાં મુખ્ય વક્તાઓમાં જળવાયુ પરિવર્તન પર વિશેષ અમેરિકી રાજદૂત જાેન કેરી, બિલ અને મેલિંડા ગેટ્‌સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ અને બ્રેકથ્રૂ એનર્જીના સંસ્થાપક બિલ ગેટ્‌સ અને સાઉદી અરામકોના સીઇઓ અમીન નાસર સામેલ થશે.

આઇએચએસ માર્કિટના વાઇસ ચેરમેન અને કોન્ફ્રેંસના અધ્યક્ષ ડેનિયલ યેરગિનએ કહ્યું હતુ કે, અમે ભારતના પ્રધાનમંત્રી મોદીને સાંભળવા માટે ઉત્સુક છીએ. ભારતમાં સસ્ટેનેબલ ડેવલપમેંટ અને દુનિયાની ઉર્જાની જરૂરિયાતોની દિશામાં પીએમ મોદીની કામગીરી બદલ તેમને સેરાવીક વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ પુરસ્કાર વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ લીડરશીપ પુરસ્કારથી સમ્માનીત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આર્થિક વિકાસ, ગરીબીનું નિવારણ અને ભવિષ્ય માટે નવી ઉર્જાની દિશામાં કામ કરવામાં ભારત શાનદાર રીતે ઉભરી આવ્યું છે. વૈશ્વિક ઉર્જા માટે પર્યાવરણ સાથે તાલમેલ બેસાડવો મહત્વનું છે.