21, ડિસેમ્બર 2020
અમદાવાદ-
દેશમાં જળમાર્ગો મારફત વ્યવહાર વધુ સુગમ બનાવવા માટે શીપીંગ અને વોટર-વે મંત્રાલય દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અનેક સહિત રાજ્યના બંદરોને રો-રો, રો પેક્સ અને ફેરી સર્વિસથી જોડવા માટેની તૈયારી થઇ ગઇ છે અને આ અંગે એક બાદ એક બંદરો અને તેના ટ્રાફીક અંગે સર્વે પૂરો કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સાગરમાલા પ્રોજેક્ટ 7500 કિલોમીટરનો નિશ્ર્ચિત કરવામાં આવ્યો છે જયાં સમુદ્ર અને નદી માર્ગે સફર થઇ શકશે જેના કારણે માર્ગ પરનું ભારણ ઘટશે અને સફર ઝડપી તથા સસ્તી હશે. શીપીંગ અને વોટર-વે મંત્રાલય દ્વારા ગુજરાતમાં હજીરા, ઓખા, સોમનાથ, દીવ, પીપાવાવ, દહેજ, જામનગર, મુદ્રા, માંડવી ઉપરાંત મુંબઈ તથા જવાહરલાલ નહેરુ પોર્ટ ગોવા તથા છ આંતરરાષ્ટ્રીય રુટ જે ચાર દેશોને જોડશે તેમાં ચિત્તગાંવ (બાંગ્લાદેશ), સેસલ્સ (પૂર્વ આફ્રિકા), માડેગાસ્કર (પૂર્વ આફ્રિકા) જાફના (શ્રીલંકા)ની સાથેનો જળ વ્યવહાર પણ શરુ કરવાની તૈયારી કરી છે. સાગરમાલા ડેવલોપમેન્ટ કંપની લીમીટેડની સ્થાપના કરીને તેમાં રો-રો, રો પેક્સ, અને ફેરી સર્વિસ માટે અનેક પ્રકારની તૈયારી થઇ રહી છે. રાજ્યમાં ઘોઘા અને હજીરા વચ્ચેનો રો-રો તથા રો પેક્સ સર્વિસ ચાલુ પણ થઇ ગઇ છે. શીપીંગ અને વોટર-વે મંત્રી શ્રી મનસુખ માંડવીયા દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ પર નજર રખાઇ છે ખાસ કરીને ધોરીમાર્ગો, રેલવે અને એરપોર્ટ સાથે હવે જળમાર્ગની કનેક્ટીવીટી પણ કરવા માટે તૈયારી છે જેના કારણે લોકો તથા માલ-સામાનની સફર વધુ સરળ બનશે.