22, ઓગ્સ્ટ 2025
મોસ્કો |
3663 |
શું ઝેલેન્સ્કીને પુતિનની શરતો મંજૂર હશે?
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અલાસ્કામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની પહેલી બેઠકમાં મહત્ત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, પુતિને શાંતિ કરાર માટે ત્રણ મુખ્ય શરતો મૂકી છે. તે ઇચ્છે છે કે યુક્રેન સમગ્ર ડોનબાસ પ્રદેશ છોડી દે, નાટોમાં જોડાવાની તેની મહત્વાકાંક્ષા છોડી દે, તટસ્થ રહે અને તેની ભૂમિ પર પશ્ચિમી સૈનિકોની તહેનાતીની મંજૂરી ન આપે.
જોકે, સૂત્રો મુજબ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જૂન 2024ની તેમની જૂની માંગણીઓની ધાર કંઈક અંશે નરમ બનાવી દીધી છે. અગાઉ તે ઇચ્છતા હતા કે યુક્રેન ચારેય પ્રાંતો ડોનબાસના ડોનેટ્સક અને લુહાન્સ્ક, તેમજ ખેરસોન અને ઝાપોરિઝિયા રશિયાને સોંપી દે. પરંતુ હવે તેણે માંગણી ફક્ત ડોનબાસ પૂરતી મર્યાદિત કરી દીધી છે. આ ઉપરાંત રશિયા વર્તમાન ઝાપોરિઝિયા અને ખેરસોન મોરચા પર લડાઈ બંધ કરવા તૈયાર છે. પુતિન ખારકીવ, સુમી અને ડિનિપ્રોપેટ્રોવસ્કના કેટલાક ભાગોમાંથી પીછેહઠ કરવા માટે પણ સંમત થઈ શકે છે.
જોકે, બીજી તરફ મળતી વિગતો મુજબ યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કીએ પુતિનની શરતો નકારી કાઢી છે. તેમણે કહ્યું, 'ડોનબાસને છોડી દેવું શક્ય નથી. આ આપણા દેશના અસ્તિત્વ અને આપણી સૌથી મજબૂત સંરક્ષણ રેખાનો પ્રશ્ન છે.