અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ સુઓમોટો અરજીની સુનાવણી કરવામાં આવી રહી છે. ગત સુનાવણીમાં રૂપાણી સરકાર દ્વારા કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કોરોનાની પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ છે તેવું સ્વીકારી લઈને સરકારે કહ્યું છે કે અમે ક્યારેય નથી કીધું કે ગુજરાતમાં બધું બરાબર છે. અમે કોશિશ કરી રહ્યા છીએ.

ત્યારે આ સુનાવણીમાં સિનિયર એડવોકેટ શાલીન મહેતાએ રાજ્યમાં 7થી 8 દિવસના લોકડાઉનની માગ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે વિશ્વના મોટા મોટા દેશોએ લોકડાઉનથી જ કોરોના પર અંકુશ મેળવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉનના કારણે કેસો ઘટી રહ્યા છે. ત્યારે આપણે પણ કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન એજ એક માત્ર હાલ પુરતો ઉપાય છે. ગઈકાલે કર્ણાટક સરકારે પણ લોકડાઉન જાહેર કર્યું. જર્મની, લંડન, સિંગાપોર અને ન્યૂઝિલેન્ડમાં પણ આ જ રીતે લોકડાઉનથી કોરોના પર કાબુ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉનને કારણે કેસ સતત ધટી રહ્યા છે. પરંતુ જજ દ્વારા આ બાબતે લોકડાઉનએ સમાધાન નથી તેવું કહેવાયું હતું. આપણે જર્મની લંડન નહી ભારતમાં છીએ. અહિયાં એ ન થઇ શકાય. ત્યારે પણ શાલીન મહેતાએ આ બાબતે દલીલો કરી હતી કે મુંબઈ, કર્ણાટકમાં પણ લોકડાઉન થયું છે.

ગુજરાત સરકારે કોરોના મામલે દાખલ થયેલી સુઓમોટો અરજી મામલે એક સોંગદનામું કર્યું હતું. જેમાં જણાવાયું છે કે, રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિમાં RT-PCR ટેસ્ટ, રેમડેસિવિર ઈન્જેકશન,ઓક્સિજન, હોસ્પિટલ બેડ વ્યવસ્થા અને ડેશબોર્ડ પર પારદર્શક માહિતીની વ્યવસ્થા કરેલ છે. આગામી સમયમાં (30 એપ્રિલ સુધીમાં 1 લાખ બેડ નવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારે સુઓમોટો મામલે સોગંદનામું 74 પેજનું સોગંદનામુ કર્યું છે. વકીલ મંડળ વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી કે, સરકારી અને કોર્પોરેશનની હોસ્પિટલમાં 108 માં આવતા કોવિડ દર્દી ને જ દાખલ કરવામાં આવે છે. 108 સિવાય આવતા દર્દીઓને દાખલ કરવામાં નથી આવતા. ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દીને દાખલ કરવાની ના પાડી શકાય નહિ. 900 બેડની ધન્વન્તરી કોવિડ હોસ્પિટલ ચાલુ થઈ તેમ છતાંય હોસ્પિટલની બહાર દર્દીઓ મરી રહ્યા છે. એમ્બ્યુલન્સની સામે રોજના 2 હજારથી વધુ કેસો આવી રહ્યા છે. લોકો એમ્બ્યુલન્સ અને યોગ્ય સારવારના અભાવે મરી રહ્યા છે. હાથ જોડીને કહુ છું 108 મુદ્દે ઓર્ડર પાસ કરો.