22, જુન 2025
1881 |
સુરત, સુરત મહાનગર પાલિકાનો વહિવટ નીતિ નિયમો અને કાયદા પ્રમાણે નહીં પરંતુ ક્યારેક સત્તાધીશોનાં રાજાશાઇનાં મૂડ પ્રમાણે ચાલી રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનાં રાજમાં વહિવટી અધિકારીઓ સામે પગલાં લેવામાં એકને ગોળ અને એકને ખોળની સીલેક્ટિવ ડ્યુઅલ પોલિસી અપનાવવામાં આવતાં અધિકારીઓમાં અસંતોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એડિશનલ સિટી ઇજનેર કેતન દેસાઇને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં ટેન્ડર પ્રકરણમાં આર્થિક નુક્સાનની માત્ર ધારણાને આધારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં જ્યારે બીજા એક ગંભીર પ્રકરણમાં કાર્યપાલક ઇજનેર અને બીઆરટીએસનાં કાર્યપાલક ઇજનેર અને જનરલ મેનેજર માનસંગ ચૌધરીનો માત્ર એક ઇજાફો જ અટકાવવામાં આવ્યો છે. જે કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી ચાલતી હોય તે જ કંપનીનાં બીજા ટેન્ડરની વિગતો છુપાવવા ઉપરાંત અન્ય અનિયમિતતાઓ આચરનાર માનસંગ ચૌધરી માટે તો તલવારનો ઘા સોયથી ટળ્યાં જેવી સુવિધા કરી આપવામાં આવી હોવાનું પ્રસ્થાપિત થયું છે. મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે બીઆરટીએસ બસો તેમજ સિટી બસોનું સંચાલન કરવામાં આવે છે. આ બસો જે રૂટ ઉપર દોડી રહી છે ત્યાં અકસ્માતો ટાળવા માટે સ્વીંગ ગેટ તેમજ બસ શેલ્ટર્સનાં સ્લાઇડિંગ ડોર મૂકવામાં આવ્યાં છે. બીઆરટીએસનાં કોરિડોરમાં ઘણી જગ્યાએ સ્વીંગ ગેટ મેઇન્ટેનન્સનાં અભાવે કામ કરતાં નહીં હોવાથી ઇજારદારને તાકિદ કરવા છતાં કામગીરી નહીં કરનાર ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. બીજીતરફ બસ શેલ્ટર્સનાં સ્લાઇડિંગ ડોરનાં ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સની કામગીરી માટે ટેન્ડર ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં જેમાં ઉપરોક્ત ઇજારદારે પણ ટેન્ડર ભર્યું હતું. એકતરફ બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી હોવા છતાં ઇજારદારે ટેન્ડર ભર્યું હતું ત્યારે આ બાબત બીઆરટીએસનાં કાર્યપાલક ઇજનેર અને સુરત સિટીલિંકનાં જનરલ મેનેજર માનસંગ ચૌધરીએ ઉચ્ચ અધિકારીઓથી છુપાવી હતી. ઇજારદારનાં કરતૂતોથી માનસંગ ચૌધરી વાકેફ હોવા છતાં તેમણે આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી ન હતી. આ ગંભીર બાબતની નોંધ લઇને તેમને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી જેનો તેમણે જવાબ પણ આપી દીધો હતો. જો કે, જવાબ સંતોષકારક નહીં જણાતા બીઆરટીએસનાં કાર્યપાલક ઇજનેર અને સુરત સિટીલિંકનાં જનરલ મેનેજર માનસંગ ચૌધરીનો ભવિષ્યની અસર સિવાય એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
કુલ ૭૯ બસ શેલ્ટર્સ સ્લાઇડિંગ ડોરનાં ઓએન્ડએમનાં ટેન્ડર પ્રક્રિયામાં ફરજચૂક
બીઆરટીએસ કોરિડોર ફેઝ-૨, એક્સ્ટેન્શન પાર્ટ ૧ અને ૨ એટલે કે, સ્મીમેર હોસ્પિટલથી સારોલી ગામ સુધી ૯, કાપોદ્રાથી ઉત્રાણ ૨, વાલકથી કામરેજ ૭, કામરેજ ટમિર્નલ એક, વરાછા હેલ્થ સેન્ટરથી વાલક ૮, મગોબ ખાડી બ્રિજથી ડિંડોલી વારીગૃહ ૯, કાપોદ્રા ફાયર સ્ટેશન એક, સેન્ટ્રલ વેરહાઉસથી ઉર્જા સદન ૪, સરોલીથી કડોદરા ૩, નાનાવરાછા પોલીસ સ્ટેશન એક મળી કુલ ૪૫ બસ શેલ્ટર્સ તેમજ વાયજંકશન ઉધના મગદલ્લાથી સરથાણા નેચરપાર્ક ઉપર આવેલાં ૩૪ બસ શેલ્ટર્સનાં સ્લાઇડિંગ ડોરનાં ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સની કામગીરી સોંપવા બાબતની ટેન્ડર પ્રક્રિયામાં માનસંગ ચૌધરીએ ફરજચૂક કરી હતી. માનસંગ ચૌધરીને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી.
એસીબીમાં પકડાયેલાં માનસંગ ચૌધરીને લાભદાયી જગ્યાએ મૂકી પૂર્વ કમિશનરનાં પરિપત્ર તેમજ ફરિયાદનો ઉલાળિયો
લાંચનાં ગુનામાં પકડાયેલાં કર્મચારીઓ કે અધિકારીઓને સંવેદનશીલ કે આર્થિક લાભદાયી જગ્યાએ નહીં મૂકવા બાબતે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે ખાસ પરિપત્ર ઇશ્યુ કર્યો હતો. આ પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, એસીબીમાં ગુનો દાખલ થયો હોય, નાણાંકીય ગેરરીતિ, તકેદારી આયોગ સમક્ષ ફરિયાદ થઇ હોય, ગુના સંબંધે સસ્પેન્ડ થયાં હોય અને પછી ફરજમાં પુન:સ્થાપિત કરવામાં આવ્યાં હોય ત્યારે આવા કર્મચારી-અધિકારીને શહેર વિકાસ વિભાગમાં બિલ્ડિંગ પરમિશનને લગતી કામગીરી, નાણાંકીય લેવડ દેવડ સાથે સંકળાયેલ હોય તેવી સંવેદનશીલ કામગીરી સોંપવી નહીં. જો આવી કામગીરી સોંપવામાં આવી હોય તો તે અતિ ગંભીર બાબત હોવાથી કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ સુચનાનો અમલ નહીં કરનાર અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. માનસંગ ચૌધરી એસીબીનાં કેસમાં પકડાઇ ચૂક્યાં છે અને તેમની સામે પ્રોસિક્યુશનની પરવાનગી પણ સ્થાયી સમિતિએ વર્ષ ૨૦૨૪માં આપી હતી તો તેમને બીઆરટીએસમાં કાર્યપાલક ઇજનેર તરીકે અને સુરત સિટીલિંકનાં જનરલ મેનેજર તરીકે નિમણૂંક કોણે આપી તે પણ તપાસનો વિષય છે. ગોપાલ લાભા નામનાં નાગરિકે કમિશનર તેમજ મુખ્યમંત્રીને એક વર્ષ પહેલાં પત્ર લખીને માનસંગ ચૌધરી તેમજ અન્ય અધિકારીને એસીબીનાં ગુના પછી લાભદાયી જગ્યાએ પુન:સ્થાપિત કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી હતી તેમ છતાં કમિશનર શાલિની અગ્રવાલે આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી.