વડોદરા,તા.૫

વડોદરા કોર્પોરેશન દ્વારા સયાજીપુરામાં બનાવેલ રાત્રી બજાર હજુ શરૂ થઈ શક્યુ નથી. આ રાત્રી બજારમાં ૩૫ દુકાનો છે. દરેક દુકાન ચોવીસ ચોરસ મીટરનો વિસ્તાર ધરાવે છે. આ દુકાનો જાહેર હરાજીથી ફાળવવા માટે અત્યાર સુધીમાં સાતથી આઠ વખત પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આ દુકાનો લેવા માટે કોઈ એ રસ દાખવ્યો નથી.ત્યારે ફરી એકવાર ભાડામાં ધટાડો કરીને દુકાનો ફાળવવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

રાત્રી બજાર બનાવ્યા બાદ પ્રથમવાર જાહેર હરાજીથી આ દુકાનો ફાળવવા માટે મીનીમમ અપસેટ વેલ્યુ ૬ લાખ અને ડિપોઝિટની રકમ પણ રૂપિયા ૬ લાખ નક્કી કરાઈ હતી ,પરંતુ એક પણ અરજી આવી ન હતી. જેથી તેમાં ભાવ ઘટાડો કરીને મીનીમમ વેલ્યુ અને ડિપોઝિટની રકમ રૂા.૩.૧૧ લાખ કરીને ફરી ત્રણ વખત જાહેરાત આપી અરજીઓ મંગાવી હતી, પરંતુ કોઈ એ રસ દર્શાવ્યો નહતો. આમ, સાતથી આઠ વખત પ્રયાસ કરવા છતાં દુકાનો લેવા કોઈ આવ્યું ન હતુ.

 ચાર વર્ષથી રાત્રી બજારની આ દુકાનો ખાલી પડી રહી છે. ેજના કારણે કોર્પોરેશનને ભાડાની આવક ગુમાવવી પડે છે, એટલું જ નહીં સ્ટ્રીટ લાઇટ વીજબિલ તથા સિક્યુરિટી ગાર્ડનો ખર્ચ ભોગવવો પડે છે. રાત્રી બજારની તમામ દુકાનો બને તેમ જલ્દી ફાળવીને આવક ઊભી કરી શકાય તે માટે મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમમાં ફરી ઘટાડો કરી જાે એક દુકાન નું માસિક ભાડું રૂા. ૧૨૦૦૦ નક્કી કરવામાં આવે તો વાર્ષિક ભાડું ૧.૪૪ લાખ જેટલું થાય છે, પરંતુ રાત્રી બજારમાં આપવામાં આવેલી વિવિધ સગવડો જાેતાં વાર્ષિક ભાડા માટે મીનીમમ અને ડિપોઝિટની રકમ દોઢ લાખ રાખવા વિચારણા કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.