મુંબઇ 

સોનુ સૂદે કોરોના કાળમાં પ્રવાસી શ્રમિકોને તેમને વતન મોકલ્યા હતા અને અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. હવે સોનુ સૂદનું નવું મિશન વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે. 2021માં તે આ વાતને પ્રાથમિકતા આપશે. સોનુને લાગે છે કે મેડિકલ ફિલ્ડમાં આ બાબતની અવગણના કરવામાં આવી છે.

સોનુએ કહ્યું હતું, 'એવું માનવામાં આવે છે કે વૃદ્ધોને જ્યાં સુધી ગંભીર બીમારી ના થાય ત્યાં સુધી કોઈ મેડિકલ સારવારની જરૂર પડતી નથી. લોકો મને કહે છે કે 'બાળકોના હૃદયના ઓપરેશન માટે આપણે પૂરતું ધ્યાન આપી છીએ તો વૃદ્ધોના ઘૂંટણ રિપ્લેસમેન્ટ પર કેમ ધ્યાન આપતા નથી? મારું લોજિક સિમ્પલ છે કે જ્યારે તમે બાળક હતા તો તમને પેરેન્ટ્સે ચાલતા શીખવ્યું. હવે તમારે એ સુનિશ્ચિત કરવાનું છે કે તેઓ ચાલી શકે.'

સોનુને લાગે છે કે વૃદ્ધોને ઘણીવાર તેમની બીમારી માટે જવાબદાર ગણાવવામાં આવે છે. જોકે, સોનુએ કહ્યું હતું, 'આવું નથી કે તમામ બાળકો પોતાના પેરેન્ટ્સની જરૂરિયાત અંગે અસંવેદનશીલ છે. તેમના પેરેન્ટ્સને ઘૂંટણના ઓપરેશનની જરૂર હોય છે તો બાળકો આગળ આવે છે. જોકે, પેરેન્ટ્સ જ ઓપરેશન પાછળ પૈસા ના ખર્ચ કરવાની વાત કરે છે.'

સોનુએ વધુમાં કહ્યું હતું, 'હું વૃદ્ધોની સર્જરી કરાવવા માગું છું, જેથી તેમને એવું ના લાગે કે તેઓ સમાજનો ઉપેક્ષિત હિસ્સો છે. 2021માં ઘૂંટણની સર્જરી મારી પ્રાથમિકતા રહેશે.'