કેન્દ્ર સરકારે ૧૩ દિવસ પહેલા આયાતી ખાદ્યતેલો પર કસ્ટમ ડયુટીમાં ૨૦ ટકા વધારો કર્યા બાદ ખાદ્યતેલોમાં બેલગામ, બેફામ ભાવવધારાનો દોર શરુ કરી દેવાયો છે. તેલના ભાવ નહીં વધારવાની અપીલોને ઠુકરાવી દેવાઈ છે અને તંત્રની નિષ્ક્રીયતાનો અને મીઠી નજરનો લાભ ઉઠાવીને તેલ લોબી નફાખોરી પર ઉતરી ગઈ છે.
સરકારનું કોઈ નિયંત્રણ જ ન હોય તે રીતે માત્ર પામતેલ કે સોયાબીન તેલ જ નહીં પરંતુ, મગફળી સિવાયના તમામ ખાદ્યતેલોના ૧૫ કિલોના ડબા પર બે સપ્તાહથી પણ ઓછા સમયમાં રૂ.૨૧૦થી રૂ.૩૪૫ સુધીનો એટલે કે એક કિલોએ રૂ.૧૪થી રૂ.૨૦નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે અને હજુ પણ ભાવવધારાનો ડામ જારી છે.
તા.૧૪ સપ્ટેમ્બરથી આયાત ડ્યુડી વધારાનો અમલ થવાની સાથે જ ખેડૂતોને તેમના પાકને વધુ ભાવ મળે કે નહીં પણ ગ્રાહકોને તાત્કાલિક ધોરણે મોંઘવારીનો ડામ આપવાનું શરુ કરી દેવાયું છે. ગત તા. ૧૩ની સાપેક્ષે તા. ૨૬ સપ્ટેમ્બરે પ્રતિ ૧૫ કિલો ડબ્બાના, પામતેલમાં રૂ. ૩૪૫, નારિયેળ તેલમાં રૂ.૩૦૦, કપાસિયા તેલમાં રૂ.૨૮૦, સૂર્યમુખી તેલમાં રૂ.૨૭૦ અને એરંંડિયામાં રૂ.૨૧૦નો વધારો કરાયો છે.
માત્ર ગત બે દિવસમાં જ નારિયેળ તેલમાં રૂ.૧૦૦નો વધારો કરાયો છે. શ્રીફળના ભાવમાં પચાસ ટકા જેવા તોતિંગ વધારાના પગલે ગત ચાર દિવસમાં કોકોનટ ઓઈલમાં તો પ્રતિ ૧૫ કિલોએ રૂ.૨૫૦નો વધારો કરાયો છે. ઘરેલું રસોઈ તથા કંદોઈની દુકાને વ્યાપક વપરાતા કપાસિયા તેલમાં પણ આયાત ડ્યુટી નથી વધી પરંતુ પાકમાં આંશિક ઘટાડાના અંદાજથી રૂ. ૫૦નો વધારો થયો છે.
જ્યારે પામતેલ મંગળવારે ૧૯૮૦-૧૯૮૫ના ભાવે વેચાતું તેમાં ૪૫નો વધારો ઝીંકી દેવાયો છે. પામતેલ આયાત પર ૨૦ ટકા ડ્યુટી વધારાઈ અને તેલલોબીએ સરકારના આ ર્નિણય બાદ આજ સુધીમાં ૨૦.૫૩ ટકા ભાવ વધારી દીધો છે. સૂર્યમુખી તેલમાં પણ ગત ૨ દિવસમાં રૂા.૪૦નો વધારો અને સિંગતેલની તો આયાત થતી નથી, નિકાસ થાય છે.
વળી વર્ષે ૪૬ લાખ ટન સામે આ વર્ષે ગુજરાતમાં મગફળીના ૫૮ લાખ ટનના વિક્રમી ઉત્પાદનનો અંદાજ છે છતાં સિંગતેલમાં રૂ.૨૦ વધી ગયા છે. પામતેલથી બનતા વનસ્પતિ ઘીના ભાવમાં સૌથી વધારે રૂ. ૪૩૦નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. જ્યારે રાઈ, મકાઈ, એરંડિયા જેવા તેલમાં પણ બેફામ વધારો થયો છે. એકંદરે ગરીબ-મધ્યમવર્ગીય માણસ કોઈ પણ તેલમાં રાંધે તો મોંઘવારીના ડામથી બચી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
Loading ...