મુંબઇ

એમેઝોન પ્રાઈમનો ક્રેઝ ભારતમાં વધી રહ્યો છે. એમેઝોને તેના બે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો અને એમેઝોન મ્યુઝિકની સામગ્રી વધારવા પાછળ ગયા વર્ષે લગભગ 823 અબજ રૂપિયા ખર્ચ કર્યો છે. જે આગળના વર્ષ કરતા 41 ટકા વધારે છે. અક્ષયે કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ સાથે કંપનીએ તાજેતરમાં ભારતમાં ફિલ્મ નિર્માણનું સાહસ પણ કર્યું છે. ગત વર્ષે એમેઝોનની કમાણી 28,895 અબજ રૂપિયા હતી. ભારતમાં કંપનીની સેવાઓ જોકે હજુ સુધી વિશ્વ કક્ષાએ આવી નથી.

ગુરુવારે બહાર પાડવામાં આવેલા કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ 2020 માં આ બંને ઓટીટી પર પ્રસારિત કરવામાં આવતી સામગ્રીની કુલ કિંમત આશરે 508 અબજ રૂપિયા જેટલી હતી, જે વર્ષ 2019 માં પ્રસારિત કરવામાં આવેલી સામગ્રીની કિંમત કરતા 17 ટકા વધારે છે.

કોરોના સંક્રમણ અવધિમાં, એમેઝોન કંપનીએ બંને હાથથી કમાણી કરી છે. ગયા વર્ષે તેની આવક પાછલા વર્ષ કરતા 38 ટકા વધીને લગભગ 28,887 અબજ ડોલર થઈ ગઈ છે. વર્ષ 2019 ની તુલનામાં વર્ષ 2020 માં કંપનીની ચોખ્ખી આવક લગભગ બમણી થઈ ગઈ. વર્ષ 2019 માં કંપનીની ચોખ્ખી આવક આશરે 868 અબજ રૂપિયા હતી, જે વર્ષ 2020 માં વધીને 1594 અબજ રૂપિયા થઈ ગઈ છે. ગુરુવારે જાહેર કરાયેલા કંપનીના વાર્ષિક અહેવાલના આંકડા મુજબ રૂપિયાની સામે ડોલરના વર્તમાન દરને આધારે આ રકમ બહાર આવી છે.

કંપનીના વાર્ષિક અહેવાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે એમેઝોન નેટફ્લિક્સ અને અન્ય કંપનીઓ સાથે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે કમર કસી રહ્યું છે. નેટફ્લિક્સે વર્ષ 2020 માં તેની ઓનલાઇન વિડિઓ સામગ્રી પર લગભગ 883 અબજ રૂપિયા ખર્ચ કર્યા છે. જો કે, તેના પાછલા વર્ષ એટલે કે 2019 માં આશરે 1040 અબજ રૂપિયા ખર્ચવામાં આવેલી રકમ કરતા આ ઘણી ઓછી છે.

એમેઝોનનો વાર્ષિક અહેવાલ બહાર પાડતા, તેના સ્થાપક જેફ બેઝોસે પણ કંપનીના પ્રાઈમ સભ્યોની સંખ્યા જાહેર કરી. કોરોના સંક્રમણ અવધિ દરમિયાન એમેઝોનના ગ્રાહકોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. જાન્યુઆરી 2020 માં, એમેઝોનના વિશ્વભરમાં લગભગ 150 મિલિયન ગ્રાહકો હતા, આ સંખ્યા વર્ષના અંત સુધીમાં 200 મિલિયનનો આંકડો વટાવી ગઈ છે. એમેઝોનના ગ્રાહકોની સંખ્યામાં આ ઉછાળો 33 ટકાથી વધુ છે.

અમેરિકામાં એમેઝોનની વાર્ષિક સભ્યપદ ફી લગભગ નવ હજાર રૂપિયા છે જ્યારે ભારતમાં આ સભ્યપદ ફી એક હજાર રૂપિયાની નજીક છે. જો કે ભારતમાં પ્રાઇમ સભ્યોને આપવામાં આવતી સેવાઓ અને યુએસમાં સેવાઓ વચ્ચે નોંધપાત્ર તફાવત છે.