નવી દિલ્હી,તા.૯
આ વર્ષે અત્યાર સુધી મોંઘવારીમાં રાહત આપતી ડુંગળીના ભાવ હવે ગ્રાહકોના આંસુ પાડવા તૈયાર છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે બજારોમાં ડુંગળીનું આવકના કારણે ભાવમાં એક સપ્તાહમાં ૨૦ ટકાથી વધુનો વધારો થયો છે. છેલ્લા મહિનામાં નીચા ભાવથી પરેશાન ખેડૂતો બજારોમાં ઓછી ડુંગળી લાવી રહ્યા છે. શરતો સાથે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાથી પણ ભાવમાં સુધારાને વેગ મળ્યો છે.
જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં રૂ.૫૦૦નો વધારો થયો છે. મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રના પિંપળગાંવ નાસિકમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ ૧ જૂનના રોજ રૂ. ૪૦૦ થી રૂ. ૨,૪૦૦ હતો, જે આજે વધીને રૂ. ૮૦૦ થી રૂ. ૨,૯૦૦ પ્રતિ ક્વિન્ટલ થયો છે. મંડીઓમાં ડુંગળીના ભાવમાં વધારાને કારણે રીટેલ બજારમાં પણ ડુંગળીના ભાવમાં વધારો થયો છે.
સેન્ટ્રલ કન્ઝયુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર, ૧ જૂને દેશભરમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત ૩૧.૮૪ રૂપિયા પ્રતિ કિલો હતી, જે આજે વધીને ૩૨.૯૩ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, દિલ્હીમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત ૩૦ રૂપિયાથી વધીને ૩૫ રૂપિયા અને મહારાષ્ટ્રમાં ૨૮.૪૨ રૂપિયાથી વધીને ૩૧.૨૬ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. પાછલા મહિનાઓમાં ઓછા ભાવને કારણે ખેડૂતો બજારમાં ઓછી ડુંગળી લાવી રહ્યા છે. જાે આવકો વધુ ઓછી રહેશે તો ભાવ રૂ. ૩,૦૦૦ને પાર કરી શકે છે. બજારોમાં સારો માલ ઓછો આવી રહ્યો છે. જેના કારણે સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવમાં વધારો થયો છે. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાથી સર્જાયેલું સકારાત્મક વાતાવરણ પણ ડુંગળીના ભાવમાં વધારાનું કારણ બની શકે છે. જાેકે, શરતોના અમલને કારણે મોટા પાયે નિકાસ શક્ય નથી.
Loading ...