વડોદરા, તા. ૨૧

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધી રૂા.૨૩૦ કરોડના ખર્ચે બનેલા ૩.૫ કિલોમીટર લાંબા ફ્લાય ઓવર બ્રિજ પાંચ વર્ષે આખરે તૈયાર થતા પાલિકા દ્વારા આ બ્રિજનું લોકાર્પણ તારીખ ૨૫ ના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.રાજ્યના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજના લોકાર્પણ માટે બ્રિજની ઉપર છોડ લગાડવા સહિતની કામગીરી શરૂ કરી છે.આ બ્રિજનુ નામ અટલ બ્રિજ આપવામાં આવ્યુ છે.

મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી ૨૩૦ કરોડ રૂપિયાના ખર્ચે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો ફ્લાયઓવર તૈયાર ગયો છે, ત્યારે ફતેગંજથી અક્ષર ચોક તરફ જતા વાહન ચાલકોને ફતેગંજ ફ્લાય ઓવર, શાસ્ત્રી રેલવે ફ્લાયઓવર બાદ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ત્રીજા બ્રિજની ભેટ મળશે. વડોદરામાં ૩.૫ કિમીના ફ્લાયઓવરથી માત્ર ૫ મિનિટમાં ગેંડા સર્કલથી અક્ષર ચોક પહોંચી શકાશે વાહનોની અવર-જવર માટેનો બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે. કલર કામ સહિતની અન્ય કામગીરી ચાલુ રહેશે.વડોદરા શહેરનો આ પ્રથમ ફ્લાયઓવર એવો છે કે, જ્યા સર્કલના વળાંકમાં ઊતરવા માટે અને ત્યાંથી ચડવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા થશે. ગેંડા સર્કલથી શરૂ થતાં આ ફલાય ઓવરમાં વડીવાડી, રેસકોર્સ, અલકાપુરી, ચકલી સર્કલ, શિવમહલ, રોકસ્ટાર, દિવાળીપુરા તરફ ઉતાર અને ચઢાવ માટે ૫૦ મીટર પહેલા સ્લોપ આપવામાં આવ્યો છે.

ફ્લાયઓવરમાં ૧૦,૨૦૦ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. આ સ્ટીલ થી ૨૦.૪૦ લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને ૫૦૦ ચોરસ ફૂટના એક મકાન મુજબ ૪૦૮૦ મકાન બની શકે છે. તેવી જ રીતે સિમેન્ટનો પણ ૩૫,૨૦૦ મેટ્રિક ટન ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે મકાનમાં આટલો સિમેન્ટનો વપરાશ ૧૪.૦૮ લાખ ચોરસ ફૂટમાં થઈ શકે છે. જાે એક મકાન ૫૦૦ ચોરસફૂટનું ગણવામાં આવે તો તેવાં ૨૮૧૬ મકાન આટલા સિમેન્ટથી બની શકે છે. બ્રિજ માટે ૧૪૮ પિલર ઊભા કરાયાં છે.

ઐતિહાસિક ન્યાયમંદિર બિલ્ડિંગને આખરે કોર્પોરેશનને સુપરત કરાશે

પાંચ - છ વર્ષ પૂર્વે નવી કોર્ટ બિલ્ડીંગમાં કોર્ટના સ્થળાંતર બાદ વડોદરાની મદ્યમાં આવેલ ઐતિહાસિક ન્યાય મંદિર બિલ્ડીંગની કોઈ જાળવણી નહી થતા બિલ્ડીંગના પરીસરમાં અનેક સ્થળે ઝાંડી-ઝાંખરા ઉગી નિકળ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા આ સ્થળે હેરીટેજ સિટી મ્યુઝીયમ બનાવવા બિલ્ડીંગને પાલિકાને સુપ્રત કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી હતી.પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં કોઈ નિર્ણય નહી લેવાતા આ ઐતિહાસિક બિલ્ડીંગ જાળવણીના અભાવે ખંડેર બની રહી હતી.ત્યારે તા. ૨૫મી એ આ ઐતિહાસિક બિલ્ડીંગને પણ મુખ્ય મંત્રીના હસ્તે પાલિકાને હસ્તાંતરણ કરાશે.પાલિકા દ્વારા ઐતિહાસિક વારસાને દેસ વિદેશમાં પ્રસિદ્ધ થાય તે માટે ઈમારતમાં સુવેનીયર શોપ ફોટો એક્ઝીબીશન હેરીટેજ ટુર સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે ટુરીઝમ સર્કીટ થાય તેવુ આયોજન ઉપરાંત લાઈટ એન્ડ સાઉન્ડ શો, સીટી એન્ડ આર્ટ મ્યુઝીયમ વગેરે વિકસાવાશે.