કચરાના ઓપન સ્પોટની સંખ્યા ૧૦૪૧થી ઘટાડીને ૮૪૧ કરાઈ
24, જાન્યુઆરી 2022 396   |  

વડોદરા, તા.૨૩

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેર સ્વચ્છ અને સુંદર બને તે માટે હાથ ધરેલ કવાયતના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ઓપન સ્પોટ છે તેની આસપાસ ગંદકી વધુ હોવાનું ધ્યાને આવતાં ઓપન સ્પોટ ઘટાડવાનો નિર્ણય કરાયો હતો. જે મુજબ વર્ષ ૨૦૨૦ સુધી ૧૦૪૧ ઓપન સ્પોટ હતા, તેમાં ઘટાડો કરીને ઓપન સ્પોટની સંખ્યા ૮૦૧ કરવામાં આવી છે જે પૈકી ૧૦૮ ઓપન સ્પોટ સીસીટીવી સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કચરા કલેકશન માટે ઓપન સ્પોટ બનાવાયા છે, જ્યાં અગાઉ ર૪ કલાક કન્ટેનરની અંદર તેમજ તેની આસપાસ કચરો પડેલો જાેવા મળતો હતો. ત્યારે કોર્પોરેશન દ્વારા આવા સ્પોટની દિવસમાં બે થી ત્રણ વખત સફાઈની સાથે આવા બિનજરૂરી ઓપન સ્પોટ ઓછા કરવાની કવાયત હાથ ધરી હતી અને જ્યાં જરૂર નથી કે નજીકમાં જ હોય તેવા કેટલાક કચરાના ઓપન સ્પોટ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

૨૦૨૧ સુધી પાલિકાના પશ્ચિમ ઝોનમાં ર૩૧, દક્ષિણ ઝોનમાં ૨૯૩, પૂર્વ ઝોનમાં ૨૧૩ તેમજ ઉત્તર ઝોનમાં સર્વાધિક ૩૦૪ કચરાના ઓપન સ્પોટ સાથે કુલ ૧૦૪૧ ઓપન સ્પોટ હતા, જ્યાં કચરો ભેગો કરવા લોખંડના મોટા કન્ટેનર મૂકવામાં આવ્યા છે. હવે આવા ઓપન સ્પોટમાં ઘટાડો કરીને હવે પશ્ચિમ ઝોનમાં ૧૪૯, દક્ષિણ ઝોનમાં ૨૭૧, ઉત્તર ઝોનમાં ૨૦૯ અને પૂર્વ ઝોનમાં ૧૭૨ મળીને કુલ ૮૦૧ ઓપન સ્પોટ કરવામાં આવ્યા છે.

જે પૈકીના ૧૦૮ ઓપન સ્પોટને સીસીટીવી સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવ્યા છે જેથી કોઈ કચરો કે અન્ય ડેબ્રીજ નાખી જાય તો તેને દંડ કરવામાં આવે. ઉપરાંત ઓપન સ્પોટ પર કન્ટેનરમાં કચરો ભરાયો હોય તો તેને ખાલી કરવા માટે વાહન તરત જ મોકલી શકાય. ઉલ્લેખનીય છે કે, શહેરના કેટલાક વિસ્તારોમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં ગમે તે સમયે જાવ કચરો અને ગંદકી જામેલી જાેવા મળે ત્યારે પાલિકા દ્વારા હવે સ્વચ્છ રેટિંગમાં ટોપ પાંચ સિટીમાં સ્થાન મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જાે કે, અનેક સ્થળે પાલિકાતંત્રની અનિયમિતતાના કારણે પણ કચરાના ઢગલા ભેગા થતા હોય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution