લોકસત્તા વિશેષ : શહેરમાં વકરેલા કોરોનામાં હોસ્પિટલોમાં જગ્યા નથી, સ્મશાનમાં જગ્યા નથી અને દર્દીઓને પુરતી વ્યવસ્થા કે સારવાર ઉપલબ્ધ થતી નથી. આવી સ્થિતિમાં કોર્પોરેશનથી લઈ કેન્દ્ર સરકાર સુધી જેનું શાસન છે તે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ પોતાના રાજકીય હિસાબોની પતાવટમાં કામે લાગ્યા છે. આવી જ સ્થિતિને લઈ હાલ શહેર ભાજપ સંગઠન અને કોર્પોરેશનના હોદ્દેદારો અને તેમાં પણ મેયર સાથે ગોરીલા પધ્ધતિથી આંતરીક યુધ્ધ

ચાલતું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

જે અંતર્ગત પાલિકાના હોદ્દેદારોને કોરાણે મુકી શહેર ભાજપ સંગઠન દ્વારા શહેરમાં કોરોનાને લગતી જુદી જુદી કામગીરી માટે જાહેરાતો કરી પાલિકાતંત્ર અને પોતાના પક્ષના જ હોદ્દેદારો નિષ્ક્રિય છે તેવું કાગળ પર સાબિત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ શહેર ભાજપ સંગઠન દ્વારા ખરેખર કેવી કામગીરી થઈ છે તે માટે આજે લોકસત્તા જનસત્તાએ શહેરીજનોની સૌથી મોટી સમસ્યા એવી ખાનગી હોસ્પિટલોની લૂંટફાટના મુદ્દે કરવામાં આવેલી કામગીરીની તપાસ કરી.

આ માટે શહેર ભાજપ દ્વારા નિમાયેલા શહેર ઉપપ્રમુખ

કૃણાલ પટેલ અને શહેર મંત્રી ડો. વસુંધરા રાઠવાને પૂછવામાં આવતાં બંનેની વાતોમાં વિરોધાભાસ આવ્યો હતો. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે ઉપપ્રમુખ કૃણાલ પટેલે સહજતાથી સ્વીકાર્યું હતું કે વધુ બિલ વસૂલાતની ફરિયાદના ફોન તો બહુ આવે છે પરંતુ કોઈ પુરાવા રજૂ કરી પક્ષનું ફોર્મ ભરવા આવતું નથી.

જ્યારે બીજી તરફ શહેર મંત્રી ડો. વસુંધરા રાઠવાએ જણાવ્યું હતું કે જે ફરિયાદો મળી છે તેની ફાઈલ તૈયાર કરી પક્ષના કાર્યાલય પર રાખવામાં આવી છે. જેમાં કોની ફરિયાદ સામે કઈ હોસ્પિટલ પાસેથી કેટલું બિલ ઓછું કરાવ્યું તેની વિગતો છે. ત્યારે પક્ષના બંને હોદ્દેદારોની વાતનો વિરોધાભાસ ઘણું બધું કહી જાય છે.

વધુ બિલના ફોન બહુ આવ્યા પણ એકપણ ફોર્મ ભરાયું નથી

શહેરીજનોની હોસ્પિટલ સામેની ફરિયાદ માટે ફોર્મ ભરી બીલ સહિતના પુરાવા રજૂ કર્યા બાદ હોસ્પિટલના બિલમાં ઘટાડો કરવાનું નક્કી કરાયું હતું. ખાનગી હોસ્પિટલો દ્વારા વધુ બિલ વસૂલવામાં આવે છે તેવા ફોન બહુ આવે છે પરંતુ બિલના પુરાવા સાથે ફોર્મ ભરવા માટે કાર્યાલય બોલાવવામાં આવતાં એક પણ વ્યક્તિ આવી નથી. આ કામગીરી માટે રોજ સાંજે ૫થી ૭ કાર્યાલય પર બેસું છું. ફરિયાદ મળ્યા બાદ ફોર્મ ભરાશે તો કોર્પોરેશનના ગ્રીવેન્સ સેલને સુપરત કરી બિલ ઓછું કરાવવામાં આવશે.

- કૃણાલ પટેલ, ઉપપ્રમુખ, ભાજપ, વડોદરા શહેર

હોસ્પિટલોના બિલ ઓછા કરાવ્યા, પરંતુ વિગત નહીં અપાય

ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી વધુ બિલ વસૂલાત કરવાની ફરિયાદો મળ્યા બાદ હોસ્પિટલ સાથે ચર્ચા કરી બિલમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ માટે જે કોઈ પણ કામગીરી કરવામાં આવી છે તેની તમામ વિગતોની ફાઈલ ભાજપ કાર્યાલય ખાતે મુકવામાં આવેલી છે એટલે તે હાલ મારી પાસે નથી. તેની વિગતો અને આંકડા કાર્યાલય પર પહોંચીને આપી શકીશ. પરંતુ આ વિગતોમાં દર્દીનું નામ કે હોસ્પિટલનું નામ આપી શકું નહીં. કારણ કે, આમ કરવાથી હોસ્પિટલની બદનામી થશે.

 - ડો. વસુંધરા રાઠવા, મંત્રી, ભાજપ, વડોદરા શહેર