જામનગર દાહોદ એસટી બસ વલ્લભ ચોક ખાતે ટ્રાન્સફોર્મર પાસેની દીવાલ સાથે અથડાઈ ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો..
22, જુન 2025 દાહોદ   |   1485   |  


દાહોદ શહેરમાં બેફામ દોડતી એસટી બસોને કારણે મોટી દુર્ઘટનાના ડોકાતા ભય વચ્ચે આજે વહેલી પરોઢે પૂરપાટ દોડી આવતી જામનગર-દાહોદ એસટી બસ શહેરમાં પ્રવેશ્યા બાદ દેસાઈવાડ સ્થિત વલ્લભ ચોકમાં બેકાબુ બની વીજ ટ્રાન્સફોર્મર અને તેની પાસેની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા દિવાલ તૂટી જવા પામી હતી તેમજ વીજ ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થવા પામ્યું હતું. જેના પગલે આસપાસના સમગ્ર વિસ્તારમાં વીજળી ડુલ થઈ જતા અંધારપટ છવાયો હતો. એસટી બસ એટલી જાેશભેર પાસેના વીજપોલ સાથે અથડાઈ હતી કે લોખંડનો વીજપોલ પણ બેન્ડ થઈ ગયો હતો. જાેકે ચાલકના જણાવ્યા અનુસાર કૂતરું આડે આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પરંતુ ઉલ્લેખનીય છે કે શહેરના ગોધરા રોડ વિસ્તારમાં એક અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે દાહોદ શહેરમાં યમદૂતની બની માતેલા સાંઢની જેમ ધસમસતી દોડી આવતી આ એસટી બસો કોઈક દિવસ કોઈ મોટી દુર્ઘટના સર્જશે અને કંઈ કેટલાના જીવ લેશે તે નક્કી છે. જેથી કરીને શહેરમાં બેફામ દોડતી એસટી બસો પર નકેલ કસવાની તાતી જરૂર છે. આજરોજ વહેલી સવારે પોણા ચાર વાગ્યાના સુમારે પૂરપાટ દોડી આવતી જામનગર- દાહોદ એસટી બસ દાહોદના સ્ટેશન પહોંચે તે પહેલા જ શહેરના તળાવ સ્થિત વલ્લભ ચોકમાં બેકાબુ બની ટ્રાન્સફોર્મર પાસેની બાઉન્ડ્રી વોલ તોડી ટ્રાન્સફોર્મર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે વીજ સપ્લાય ખોરવાતા આસપાસના વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. બોરસદ ડેપોની જામનગર-દાહોદ એસટી બસના ચાલક ઝેડ એસ મલિકના જણાવ્યા અનુસાર કુતરુ રોડ પર આવતા તેને બચાવવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એસટી બસ લોખંડના મજબૂત વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ આખો બેન્ડ થઈ ગયો હતો. એના પરથી વિચારો કે એસટી બસની ઝડપ કેટલી બધી હશે. સિટીમાં આટલી બધી ઝડપે એસટી બસ દોડાવવી શું ખરેખર વ્યાજબી છે. આ વીજ પોલ પરથી પસાર થતી ૧૧ કેવી ની હેવી લાઇનના જીવતા વાયર બસ ઉપર પડ્યા હોત તો તમે કલ્પના કરો કે અંદર બેઠેલા મુસાફરો અને ચાલક ક્લીનરની તેમજ એસ.ટી બસની શું હાલત થતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ અત્રે નોંધનીય છે કે દાહોદ શહેરમાં એસટી બસ અકસ્માતનો માત્ર ગોધરા રોડ વિસ્તારમાં જ એક અઠવાડિયામાં આ ત્રીજાે બનાવ છે. દાહોદ શહેરમાં એસટી બસોના ચાલક ખાસ કરીને રાત્રિ દરમિયાન બેફામ બસો દોડાવે છે. જેના પગલે આગામી સમયમાં દાહોદમાં યમદૂત બની માતેલા સાંઢની જેમ દોડતી આ એસટી બસો નક્કી કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જી કંઈ કેટલાયનો ભોગ લેશે. તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution