વોશ્ગિટંન-

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસને જાણ કરી હતી કે અમે ઇરાન પર ફરી પ્રતિબંધ લાદવા માગીએ છીએ. આતંકવાદને પોષકા કોઇ પણ દેશને અમે પરંપરાગત શસ્ત્રો વેચવા ખરીદવાની પરવાનગી નહીં આપીએ. અગાઉ યુનોએ ઇરાન પર લગાડેલા પ્રતિબંધો પાછળથી રદ કરાયા હતા.

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો યુનોના વડા મથકે પહોંચ્યા હતા અને તેમણે યુનોના મહામંત્રી ગુતારેસ તેમજ ઑગષ્ટ માસ માટેના યુનોની સલામતી સમિતિના અધ્યક્ષ ઇન્ડોનેશિયાના રાજદૂત ડિયાન ત્રિયાન્સ્યાહ ડઝાનીની મુલાકાત લીધી હતી. પોમ્પિયોએ આ બંને મહાનુભાવોને એવા પત્રો સોંપ્યા હતા જેમાં અમેરિકાએ ઇરાન પર યુનો દ્વારા લદાયેલા તમામ પ્રતિબંધોને અમેરિકાએ નવેસર આપેલી બહાલીનો ઉલ્લેખ હતો. યુનોની સલામતી સમિતિના ઠરાવ ક્રમાંક ૨૨૩૧ અન્વયે આ પ્રતિબંધો પાછાં ખેંચી લેવાયાં હતાં. હવે આ પ્રતિબંધો આજથી એટલે કે ૨૦ મી ઑગષ્ટથી ત્રીસ દિવસની અંદર પાછા લાગુ પાડી દેવાશે.

પાછળથી પત્રકારો સાથે વાત કરતાં પોમ્પિયોએ કહ્યુ કે અમારો સંદેશો સ્પષ્ટ છે. આતંકવાદને પોષણ આપતા દુનિયાના ગમે તેટલા મોટા દેશને પણ અમેરિકા વિમાન, ટેંક, મિસાઇલ વગેરે પારંપરિક શસ્ત્રો વેચવા નહીં દે. પ્રતિબંધો લાગુ પડશે એટલે ઇરાને તેની આતંકવાદને આતંકવાદને પોષણ આપવાની ધિક્કારપાત્ર પ્રવૃત્તિઓ અંગે સ્પષ્ટતા આપવી પડશે. એની બેલાસ્ટિક મિસાઇલની ટ્રેનિંગ પર પણ ફરી પ્રતિબંધ લાગુ પડશે. ઇરાનની પરમાણુ પ્રવૃત્તિઓ પર પણ ફરી પ્રતિબંધ લાગુ પડશે.