રોકાણના પારંપારિક સાધનોમાં રોકાણ ઘટી રહ્યું હોવાનું પોકળ સાબીત થઇ રહ્યું છે. યુવાવર્ગ ભલે શેરમાર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ તથા અન્ય રોકાણ સેગમેન્ટમાં આકર્ષાઇ રહ્યો હોય પરંતુ બેન્કોમાં થઇ રહેલી ફિક્સ ડિપોઝિટ્સમાં મોટો ઘટાડો જાેવા મળ્યો નથી. બેન્કો રોકડની અછતને પહોંચી વળવા માટે, થાપણો પર વ્યાજદર વધારવાની બેંકોની વ્યૂહરચનાનાં પરિણામો દેખાવા લાગ્યાં છે. છેલ્લા છ મહિનામાં ડિપોઝિટ અને લોન લેવાના ટ્રેન્ડમાં મોટો બદલાવ આવ્યો છે. આ છ મહિનામાં લીધેલી કુલ લોનની સરખામણીમાં બેંકોમાં જમા રકમ લગભગ દોઢ ગણી વધી છે. તે જ સમયે, એક મહિનામાં થાપણો લોન કરતાં બમણી મોટી હતી. જૂન મહિનાના છેલ્લા ૧૫ દિવસમાં, બેંક ડિપોઝિટમાંની રકમ બેંકો દ્વારા વહેંચવામાં આવેલી કુલ લોન કરતાં ૨.૫ ગણી વધુ હતી. ૨૮ જૂને પૂરા થયેલા પખવાડિયામાં બેંકોમાં કુલ ૩.૯ લાખ કરોડ રૂપિયા જમા થયા હતા. તેની સરખામણીમાં માત્ર ૧.૭ લાખ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. છેલ્લા છ મહિનાથી આ ફેરફાર જાેવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં બેંકો પાસેથી કુલ રૂ.૨૪.૯ લાખ કરોડની લોન લેવામાં આવી હતી, જ્યારે રૂ. ૨૬ લાખ કરોડની ચોખ્ખી થાપણો કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ૬ મહિનામાં ૯.૧ લાખ કરોડ રૂપિયાની લોન સામે ૧૩ લાખ કરોડ રૂપિયાની નેટ ડિપોઝિટ હતી. ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં ડિપોઝિટ્સની રકમ કુલ રૂ.૨૧૬,૩૧,૩૭૪.૧૫ કરોડ છે. જાેકે, ભારતીય ઇક્વિટી માર્કેટ સાથે બેંક ડિપોઝિટના કદની તુલના કરીએ તો સરેરાશ બમણાથી વધુ એટલે કે રૂ.૪૬૦ લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન છે. જે સમગ્ર બેન્કિંગ ડિપોઝિટ કરતાં બજાર બમણાથી વધુ થઈ ગયું છે.આ બાબતોને ધ્યાનમાં લઇએ તો આરબીઆઈ બજારની ગતિશીલતાને સમજવામાં નિષ્ફળ રહી; તેઓ હવે જાગી રહ્યા છે! આરબીઆઈને પ્રશ્ન એ હોવો જાેઈએઃ શું તમારે ડિપોઝિટ્સ આકર્ષવા માટે કોમર્શિયલ બેંકોને ઈન્વેસ્ટમેન્ટ બેંકોની જેમ કામ કરવા ન કહેવું જાેઈએ તે પણ એક સવાલ સર્જાયો છે.
૨૮ જૂને પૂરા થતા પખવાડિયામાં બેંકો પાસેથી લીધેલી લોનમાં વાર્ષિક ધોરણે ૧૩.૮%નો વધારો થયો છે. ગયા વર્ષે જૂનના છેલ્લા પખવાડિયામાં લોન (ક્રેડિટ) વૃદ્ધિ ૧૬.૨% હતી. તેનો અર્થ એ કે વાર્ષિક ધોરણે ૨.૪% નો ઘટાડો થયો હતો. તેનું સૌથી મોટું કારણ પર્સનલ લોન જેવી અસુરક્ષિત લોન પર રિઝર્વ બેંકની કડકતા છે. રેટિંગ એજન્સીના મતે આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે.