ગાંધીનગર-

ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગુજરાત પોલીસ રાજ્યમાં વાહન અકસ્માતોને રોકવામાં નિષ્ફળ રહી છે. તેના કારણે ગુજરાતમાં હિટ એન્ડ રન અર્થાત અકસ્માત કરીને ભાગી છુટવાની ઘટનાઓ વધી છે, આ પ્રકારના અકસ્માતોમાં દરરોજ સરેરાશ ત્રણથી વધુ નાગરિકોના મોત થઈ રહ્યા છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં ૧૧ હજાર ૪૧૧ હિટ એન્ડ રનના પોલીસ કેસ નોંધાયા છે, જેના અડધો અડધ કેસમાં ૫૫૭૦ આરોપી વાહન ચાલકો, માલિકોને પોલીસ હજી સુધી પકડી શકી નથી. વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે ગુજરાતમાં આત્મઘાતી સાબિત થઈ રહેલી ટ્રાફિક નિયમન વ્યવસ્થા સંદર્ભે સવાલ પુછયો હતો.

જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લેખિતમાં સ્વિકાર્યુ હતું કે વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન ગુજરાતમાં કુલ ૧૧ હજાર ૪૧૧ હિટ એન્ડ રનના બનાવો બન્યા છે. ગૃહમંત્રીએ રજુ કરેલી આંકડાકિય વિગતો મુજબ પાંચ વર્ષમાં અકસ્માત સર્જીને ભાગી છુટવાના બનાવોમાં ૬૭૨૭ નાગરિકોના મૃત્યુ થયા છે. જ્યારે ૬૪૨૯ નાગરિકો ઘાયલ થયા હતા. ગુજરાતમાં સૌથી વધુ ફ્લાય ઓવર બ્રિજ અને ટ્રાફિક નિયમન માટે શ્રેષ્ઠતમ સીસીટીવી નેટવર્ક છે તેવા સુરત શહેર સમેત જિલ્લામાં જ પાંચ વર્ષમાં હિટ એન્ડ રનમાં સૌથી વધુ ૧૨૫૪ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

સુરત શહેર અને જિલ્લાની પોલીસ અકસ્માતો કરીને છુમંતર થયેલા ૧૬૪૨ આરોપીઓને પકડી પણ શકી નથી. સુરત બાદ હિટ એન્ડ રનમાં સૌથી વધુ અમદાવાદમાં ૯૪૫ નાગરિકોના મોત થયા છે. માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭ દરમિયાન ૧૮ હજાર ૮૧ માર્ગ અકસ્માત થયા હતા અને જેમાંથી ૭૨૮૯ વ્યક્તિનાં મોત થયાં હતાં. આમ, ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ૧૦મા ક્રમે છે.ગુજરાતમાં હિટ એન્ડ રનને લીધે અકસ્માતના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે.