લોકસત્તા ડેસ્ક-

મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવા શ્રાવણ માસ આજે પૂર્ણ થયો થઈ રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ છે. એટલું જ નહીં સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસ પણ સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે. રાજ્યના શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ભક્તો બીલીપત્ર, જળ અને દુધનો અભિષેક કરી રહ્યાં છે. ગુજરાત ભરમાં શિવ મંદિરોમાં શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તો દર્શન માટે પહોંચી રહ્યાં છે, તો મંદિરમાં દર્શન કરવાને લઈને પણ અનેક ગાઇડલાઇન બનાવવામાં આવી છે. મંદિર તંત્ર પણ માસ્ક પહેરીને આવતા ભક્તોને દર્શન આપે છે.

સોમવતી અમાસનું મહત્વ:

સોમવતી અમાસનું ખાસ મહત્વ છે. શાસ્ત્રો મુજબ એવુ માનવામાં આવે છે કે દેવાધિદેવ મહાદેવજી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ. સોમવતી અમાસનું મહત્ત્વ એટલા માટે વિશેષ છે કારણ કે તે સંતતિ, સંપત્તિ અપાવનારી પુણ્યફળદાયી તિથિ કહેવાય છે. આ દિવસે મહાદેવજી, પિતૃ, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ માનાય છે. બીજી રીતે એમ કહેવામાં આવે છે કે આ દિવસે હર-હરિ અને પિતૃ –ની ઉપાસનાની ત્રિવેણીનો સંગમ થાય છે. ખાસ કરીને પિતૃઓની કૃપા માટે પ્રયત્ન કરવાથી સુખ-શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય રીતે  સોમવતી અમાસ વર્ષમાં એકાદ-બે વખત જ આવતી હોય છે. 

સામાન્ય રીતે સોમવાર અને અમાસનો સંયોગ થતાં સોમવતી અમાસ થાય છે અને મૌની અમાસનો પણ સંયોગ પણ છે. જે એક વિશિષ્ટ સંયોગ કરાવી રહી છે. આ દિવસ શિવ-પિતૃ પૂજન માટે પણ શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને પીપળાનાં પૂજનનું પણ કરવાનુ પણ મહત્વ છે, પીપળાની ૧૦૮ વખત પ્રદક્ષિણા પણ કરી શકાય છે, અને સાથે જ ‘ઓમ્ વિષ્ણવે નમ:’ મંત્રની માળા કરવી.