ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂનઃસમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા ર્નિણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફયુનો અમલ કરાશે.

અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. આ રાત્રિ કરફયુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.

કોર કમિટીએ એવો પણ ર્નિણય કર્યો છે કે રાત્રિ કરફયુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૦૯ઃ૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.રેસ્ટોરેન્ટ્‌સ રાત્રિના ૦૯ઃ૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયતને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ ર્નિણય કરવામાં આવ્યો છે.જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયતને આધિન ચાલુ રાખી શકશે. ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે ખુલ્લા રહેશે.