વિસાવદરના નાની મોણપરીમાં સિંહણના રેસ્કયૂ દરમિયાન વન કર્મીનું મોત નિપજ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જાન્યુઆરી 2026  |   2871

ગાંધીનગર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફ ચૌહાણના મૃત્યુની ઘટના સામે આવી છે. જેને અત્યંત દુ:ખદ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરને સોંપાઇ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મૃત્યુ પામનાર કર્મચારી અશરફભાઈ અલીભાઈ ચૌહાણના પરિવારને મળવાપાત્ર નાણાકીય સહાય ઉપરાંત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવાય તે માટે દરખાસ્ત કરવા વન વિભાગને આદેશ આપ્યા છે. અર્જુન મોઢવાડિયાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે,જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણ દ્વારા એક બાળક પર હુમલો કરી મૃત્યુ નિપજાવવાની દુ:ખદ ઘટના સામે આવી હતી. આ ગામ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢ હેઠળની વિસાવદર રેન્જની ગ્રાસ રાઉન્ડની માણંદીયા બીટના કાર્યક્ષેત્રમાં આવે છે. આ નાની મોણપરી ગામના ખેડૂત ખાતેદાર પરસોત્તમ વાલજી વઘાસીયાના ખેતરમાં મજૂરી કામ કરતા શૈલેષ સોમાભાઈ પારગીના પુત્ર શિવમ પારગી (ઉ.વ.૪) તા. ૦૪/૦૧/૨૦૨૬ ના રોજ વાડીએ આવેલ મકાનની બાજુમાં રમતો હતો, તે દરમિયાન સવારે ૧૦-૩૦ કલાકે અચાનક સિંહણ દ્વારા હુમલો કરાયો તો. સિંહણ બાળકને તુવેરના પાકમાં ઢસડી ગયેલ જે દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. જેને લઈને આ સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હુમલો કરનાર સિંહણને પકડીને સ્થળાંતર કરવાની કાર્યવાહી વિસાવદર રેન્જના સ્ટાફ તથા વેટનરી ઓફિસર, સાસણની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution