/
US OPEN:ડે મિનારને હરાવીને થિયમ પ્રથમ વખત સેમિ ફાઈનલમાં પહોંચ્યો 

અમેરિકાની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સે બલ્ગેરિયાની પિરોન્કોવા સામેની ક્વાર્ટર ફાઈનલમાં ૪-૬, ૬-૩, ૬-૨થી વિજય મેળવતા સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. વિલિયમ્સ સળંગ ૧૧માં વર્ષે યુએસ ઓપનની સેમિ ફાઈનલમાં પ્રવેશી છે, જ્યાં તેની ટક્કર બેલારૃસની વિક્ટોરિયા એઝારેન્કા સામે થશે. તેણે બેલ્જીયમની એલિસ માર્ટેન્સને ૬-૧, ૬-૦થી પરાજીત કરી હતી. એઝારેન્કા છેલ્લા સાત વર્ષમાં આ પહેલી વખત ગ્રાન્ડ સ્લેમની સેમિ ફાઈનલમાં પ્રવેશી છે. તે સેરેના સામે ચાર મેચ જીતી છે અને ૧૮ હારી છે.

ઓસ્ટ્રિયાના ડોમિનિક થિયમે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી ડે મિનારને ૬-૧, ૬-૨, ૬-૪થી હરાવીને યુએસ ઓપન મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે તે યુએસ ઓપનની સેમિ ફાઈનલમાં પ્રવેશનારો ઓસ્ટ્રિયાનો સૌપ્રથમ ટેનિસ ખેલાડી બન્યો હતો. હવે સેમિ ફાઈનલમાં તેનો મુકાબલો રશિયાના ત્રીજો સીડ ધરાવતા મેડ્વેડેવ સામે થશે, જેણે ઓલ રશિયન ક્વાર્ટર ફાઈનલમાં ૧૦માં ક્રમાંકિત રૃબ્લોવને ૭-૬ (૮-૬), ૬-૩, ૭-૬ (૭-૫)ના સંઘર્ષ બાદ પરાજીત કર્યો હતો. 

ડિફેન્ડિંગ ચેમ્પિયન નડાલની સાથે ફેડરર પણ ટુર્નામેન્ટમાં રમી રહ્યો નથી અને યોકોવિચ ડિફોલ્ડેટ થઈને બહાર ફેંકાઈ ચૂક્યો છે, ત્યારે થિયમને હાલ ફેવરિટ માનવામાં આવી રહ્યો છે. જોકે, સેમિ ફાઈનલમાં તેની સામે રશિયાનો યુવા ખેલાડી મેડ્વેડેવ છે, જે ગત વર્ષે ફાઈનલમાં પ્રવેશ્યો હતો અને નડાલ સામે હારતાં રનર્સઅપ બન્યો હતો. 

ફ્લશિંગ મેડોવ્સ ખાતે રમાયેલી હાઈપ્રોફાઈલ ક્વાર્ટર ફાઈનલમાં મેડ્વેડેવ અને રૃબ્લોવ વચ્ચે બરોબરીનો મુકાબલો ખેલાયો હતો. પ્રથમ સેટના ટાઈબ્રેકરમાં મેડ્વેડેવ એક તબક્કે ૧-૫થી પાછળ ધકેલાઈ ગયો હતો. જોકે, તેણે ત્યાર બાદના આઠમાંથી સાત પોઈન્ટ્સ જીતીને સેટ પોતાના નામે કર્યો હતો. ત્રીજા અને આખરી સેટમાં પણ મેડ્વેડેવે નિર્ણાયક તબક્કે સળંગ બે પોઈન્ટ જીતીને સેટની સાથે મેચ પોતાના નામે કરી હતી. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution