એડિલેડ  

યજમાન ઓસ્ટ્રેલિયન ટીમ વર્તમાન સમયમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. હવે તેનો સ્ટાર બેટ્સમેન સ્ટિવ સ્મિથે પીઠના દુખાવાનાં કારણે ઓસ્ટ્રેલિયન ટીમની નેટપ્રેક્ટિસને અધવચ્ચેથી છોડી દીધી હતી. સ્મિથે ૧૭મી ડિસેમ્બરથી ભારત સામે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલાંની મહત્ત્વપૂર્ણ નેટપ્રેક્ટિસમાં ભાગ લીધો નહીં. માત્ર ૧૦ મિનિટ સુધી નેટ્સ પર પ્રેક્ટિસ કર્યા બાદ તેને પીઠમાં દુખાવો થતાં તે ટ્રેનિંગ સેશનને પડતી મૂકીને ડ્રેસિંગરૂમમાં પરત ફર્યો હતો.

ઓસ્ટ્રેલિયન ટીમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્મિથને ગળામાં વાઇરલ ઇન્ફેક્શન થયું હોવા છતાં તે નેટ્સમાં આવ્યો હતો. પ્રેક્ટિસ દરમિયાન એક બોલ નીચે ઝૂક્યો હતો અને તેની પીઠના સ્નાયુ ખેંચાઈ ગયા હતા અને આ કારણથી તેણે નેટ્સને પડતી મૂકી હતી. તે બુધવારે સવારે પ્રથમ ટ્રેનિંગ સેશનમાં પણ હાજર રહેશે નહીં. ૩૨ વર્ષીય સ્મિથે નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ પણ કરી નહોતી.

છેલ્લા એક મહિનાથી ઓસ્ટ્રેલિયન ટીમ પોતાના ખેલાડીઓની ઈજાથી ચિંતિત થઇ છે. ઈજાના કારણે સ્મિથ પ્રથમ ટેસ્ટમાં રમશે નહીં તો ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ફટકો પડશે.