ન્યૂ દિલ્હી

ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીની બીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચને સાત વિકેટથી જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ૧-૧થી જીત મેળવી હતી. જાેકે આ જીતનો બીજાે દિવસ ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર છે. ધીમી ઓવર રેટ માટે ટીમ ઈન્ડિયાએ મેચ ફીના ૨૦% દંડ ભરવો પડશે. પાંચ મેચની શ્રેણીની તમામ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.

ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી નાખી હતી. જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ તેમના પર આ દંડ લાદ્યો છે. મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને ઇંગ્લેંડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઇંગ્લેન્ડે નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જેસન રોયે ૪૬ રનની સર્વોચ્ચ ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૧૭.૫ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ૧૬૬ રન બનાવ્યા. ઇશાન કિશન ૫૬ અને વિરાટ કોહલી ૭૩ રને અણનમ રહ્યો હતો. ઇશાને તેની ઝડપી બેટિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો.