લોકસત્તા વિશેષ : ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા મેળવવા માટે સંઘની નજરમાં રહેવું જાેઈએ તેવું માનવામાં આવતું હતું. પરંતું સમયાંતરે હવે આ વાતમાં કેટલાક પરિવર્તન જાેવા મળી રહ્યા છે. ખાસ કરીને વડોદરામાં સંઘ શરણમ્‌ ગચ્છામીના બદલે હવે નવા સરનામે માથું નમાવવાની પરંપરા શરૂ થઈ હોવાનું કહેવાય છે. જેમાં વડોદરા શહેર ભાજપમાં હોદ્દો મેળવવા માટે ભક્તિ સાડી સેન્ટરનું કનેકશન સામે આવ્યું છે. જેના કારણે જ ગાઈકાલે ગાંધીનગર ગૃહમાં નવા બોર્ડની પ્રથમ સામાન્ય સભા પુરી થયા બાદ નવનિયુક્ત ડે. મેયર નંદા જાેષી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ સીધા ભક્તિ સાડી સેન્ટરમાં પહોંચ્યા હતા. ત્યારે અગાઉ હોદ્દો મળ્યા બાદ સંઘ કાર્યાલય કે પાર્ટી અથવા સંઘના વરિષ્ઠ નેતા કે મંદિર જવાની પરંપરા વચ્ચે આ બે નવા હોદ્દેદાર ભક્તિ સાડીમાં કેમ પહોંચ્યા તેની ચર્ચાએ વડોદરા ભાજપાના આંતરીક વર્તુળમાં ચર્ચા ઉભી કરી છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર ભાજપમાં ભક્તિ સાડી સેન્ટરનું નામ કેન્દ્ર સ્થાને રહ્યું છે. અગાઉ ૮ વર્ષથી સાઈડલાઈન કરાયેલા ડો. વિજય શાહને અચાનક વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનાવવામાં આવતા આ કનેકશન બહાર આવ્યું હતું. શહેર પ્રમુખ બન્યા બાદ ભક્તિ સાડી સેન્ટરના માલિક અને ડો. વિજય શાહ સુરત સી.આર. પાટીલની મુલાકાત લેવા સાથે જાય છે. ત્યાર બાદ ડો. વિજય શાહ પણ ભક્તિ સાડી સેન્ટરની મુલાકાતે જાય છે.ડો. વિજય શાહ બાદ માંજલપુર વોર્ડ નંબર ૧૭ના કોર્પોરેટર શૈલેષ પાટીલ ટીકીટ મળતા પહેલાં ભક્તિ સાડીના માલિક સાથે ડો. વિજય શાહની મુલાકાત લે છે. ઉલ્લેખનીય છેકે શૈલેષ પાટીલને ભાજપા સાથે કોઈ સ્નાન સુતકનો સંબંધ નહીં હોવાનો મોટો વિવાદ થયો હતો. જાેકે આ ટીકીટ સીધી સી.આર.પાટીલના ક્વોટામાંથી આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.હજી આ બે બાબતોની ચર્ચા લોકો ભુલ્યા નથી ત્યાં બુધવારે વડોદરા શહેર ભાજપા કાર્યાલય ખાતે નવા મેયર, ડે. મેયર અને ચેરમેનના નામો જાહેર કર્યા બાદ તેની ઔપચારિક્તા પુરી કરવા માટેની ગાંધીનગર ગૃહ ખાતે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જ્યાં સભા પુરી થયા બાદ ડે. મેયર નંદા જાેષી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ કોઈ નેતાના ઘરે, સંઘના આગેવાનના ઘરે, સંઘ કાર્યાલય કે મંદિરે જવાના બદલે સીધા ભક્તિ સાડી સેન્ટર પહોંચ્યા હતા. ત્યારે આ ઘટના બાદ વડોદરા શહેર ભાજપમાં ગણગણાટ શરૂ થયો છેકે હવે હોદ્દા મેળવવા માટે સંઘ શરણમ્‌ ગચ્છામી નહીં પરંતું ભક્તિ સાડી સેન્ટરમાં જવું પડે.

શું છે ભક્તિ સાડીના માલિકનું પાટીલ કનેકશન?

ગુજરાતમાં હાલ પાટીલ કનેકશનની બોલબાલા છે. ત્યારે ડો. વિજય શાહ જેવા ૮ – ૮ વર્ષથી સાઈડલાઈન કરાયેલા નેતાની શહેર પ્રમુખ તરીકે અચાનક થયેલી વરણી બાદ શહેર ભાજપમાં પાટીલ કનેકશનની ચર્ચાએ જાેર પકડ્યું હતું. ત્યારે આ નિંમણૂક પાછળ ભક્તિ સાડી સેન્ટરના માલિક મુકેશભાઈનું પાટીલ કનેકશન કામ કરી ગયાનું કહેવાય છે. શહેર ભાજપની ચર્ચાઓ મુજબ સુરતના ઘારાસભ્ય સંગીતા પાટીલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જુથના મનાય છે. જેઓ થકી આ પાટીલ કનેકશન મજબુત થયાનું શહેર ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે.