રાજ્યમાં ચાર વર્ષથી વધુ શાસન કરનારા પાંચમા મુખ્યમંત્રી બનશે વિજય રૂપાણી
31, જુલાઈ 2020 1584   |  

ગાંધીનગર-

૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યને ૧૬ મુખ્યમંત્રી મળી ચૂક્્યા છે. જેમાંથી માત્ર ચાર મુખ્યમંત્રી ચાર વર્ષથી વધુ શાસન કરી શક્્યા છે. હાલના સીએમ વિજય રુપાણી ૦૭ ઓગસ્ટના રોજ પોતાના કાર્યકાળના ચાર વર્ષ પૂરા કરનારા રાજ્યના પાંચમા સીએમ બની જશે. રાજ્યમાં સૌથી લાંબો સમય શાસન કરવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે, જેઓ ૪૬૧૦ દિવસ શાસન કરી ચૂક્્યા છે. રુપાણીના પુરોગામી આનંદીબેન પટેલે ૮૦૮ દિવસ શાસન કર્યું હતું. જાેકે, ઉનામાં દલિતો પર થયેલા હુમલા બાદ સર્જાયેલી સ્થિતિ અને પાટીદાર આંદોલનને કાબૂમાં લેવામાં નિષ્ફળ જવા બદલ આનંદીબેનને પદ છોડવું પડ્યું હતું.

ગુજરાતના રાજકીય ઈતિહાસમાં અત્યારસુધી માત્ર છ મુખ્યમંત્રીઓ જ બીજી ટર્મ મેળવવામાં સફળ રહ્યા છે, જેમાંથી વિજય રુપાણી પણ એક છે. રુપાણીએ પોતાના પુરોગામી આનંદીબેન પટેલ પાસેથી સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી જ તેઓ અનિશ્ચિતતા વચ્ચે શાસનની ધૂરા સંભાળતા રહ્યા છે. તેમને સીએમ પદ પરથી હટાવાશે તેવી અફવાઓ પણ તેમના કાર્યકાળ દરમિયાન અનેકવાર ઉડી ચૂકી છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી ભાજપે રુપાણીના નેતૃત્વમાં જ લડી હતી, જાેકે તેમને બીજી ટર્મ મળશે કે કેમ તે અંગે તે અટકળો અને અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી હતી. તે બધા વચ્ચે પણ રુપાણી બીજી ટર્મ મેળવવામાં સફળ રહ્યા હતા.

રાજ્યમાં પાટીદાર આંદોલન ચરમસીમા પર હતું, અને તેની સાથે અન્ય જ્ઞાતિઓ પણ આંદોલનના માર્ગે હતી ત્યારે રુપાણીએ રાજ્યના શાસનની ધૂરા સંભાળી હતી. તેમના શાસનકાળમાં પણ રાજ્યમાં કેટલાક કૌભાંડો અને વિવાદોએ તેમનો પીછો નથી છોડ્યો. રુપાણીના નેતૃત્વમાં રાજ્યમાં છેલ્લે જે પેટાચૂંટણી થઈ તેમાં ભાજપનો ધબડકો થયો હતો. ભાજપના એક વરિષ્ઠ નેતાનું માનીએ તો રુપાણી દરેક વસ્તુને બેલેન્સ કરવાની આવડત ધરાવે છે. તેઓ લોકનેતા તરીકે પોતાની મર્યાદા જાણે છે, પરંતુ લોકો સાથે સંપર્ક કરવાની તેમની ક્ષમતા અને ફ્લેક્સિબલ માઈન્ટસેટ તેમની સફળતાની ચાવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution