નવી દિલ્હી, ભારતના ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકો માટેની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ર્નિણય ભાજપ અને આરજેડી સહિત રાજ્યના મુખ્ય પક્ષો દ્વારા કરાયેલી માગણી બાદ લેવાયો છે. અગાઉ, ૨૦૨૦માં વિધાનસભા ચૂંટણી રાજ્યના અમુક હિસ્સાઓમાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ત્રણ તબક્કામાં યોજાઈ હતી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર,પ્રથમ તબક્કાનું મતદાન તા. ૬ નવેમ્બરના રોજ થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન તા. ૧૧ નવેમ્બરના રોજ થશે. તેમજ મત ગણતરી તા. ૧૪ નવેમ્બરના રોજ ગુરુવારે હાથ ધરાશે અને પરિણામો જાહેર થશે.
ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેઝેટ નોટિફિકેશન ૧૦ ઓક્ટોબરના રોજ બહાર પડાશે. જેમાં ઉમેદવારો ૧૭ ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રો નોંધાવી શકશે. ત્યારબાદ, ૨૨ ઓક્ટોબરના રોજ ઉમેદવારી પત્રોની સ્ક્રુટની થશે અને ૨૪ ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે હિંસા કે અવ્યવસ્થાની સ્થિતિ ન સર્જાય તે માટે ૫૦૦થી વધુ અર્ધલશ્કરી દળો તૈનાત કરવાનો ર્નિણય લીધો છે. પંચે રાજ્યના તમામ જિલ્લાઓમાં સંવેદનશીલ અને અત્યંત સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ચૂંટણી પંચની માગણી અનુસાર ગૃહ મંત્રાલય દ્વારા અર્ધ લશ્કરી દળોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.
ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર બિહારમાં કુલ ૯૦,૭૧૨ મતદાન મથકો તૈયાર કરાયા છે, જેમાં પ્રતિ કેન્દ્ર સરેરાશ ૮૧૮ નોંધાયેલા મતદારો છે. આમાંથી ૭૬,૮૦૧ મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત છે, જ્યારે ૧૩,૯૧૧ શહેરી વિસ્તારોમાં સ્થિત છે.૧,૩૫૦ મોડેલ મતદાન મથકો સ્થાપિત કરાય છે. સાથે જ, પારદર્શિતા જાળવવા માટે ૧૦૦ ટકા વેબકાસ્ટિંગની સુવિધા પણ પૂરી પડાશે.
બિહારના મતદારોની સંખ્યા
૭.૪૩ કરોડ કુલ મતદાર
૩.૯૨ કરોડ પુરુષ મતદાર
૩.૫૦ કરોડ મહિલા મતદાર
૧૭૨૫ ટ્રાન્સજેન્ડર મતદાર
૭.૨ લાખ દિવ્યાંગ મતદાર
૪.૦૪ લાખ ૮૫ વર્ષથી વધુ વયના મતદાર
૧૪ હજાર ૧૦૦ કે તેથી વધુ વયના મતદાર
૧૪.૦૧ લાખ પ્રથમ વખતના યુવા મતદાર
૧.૬૩ કરોડ ૨૦-૨૯ વર્ષની વયના મતદાર
૧.૬૩ લાખ સેવા મતદાર
જરૂર પડે વધારે સુરક્ષા પૂરી પડાશે : ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છેકે, વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈ ગુનાહિત કે અસામાજિક તત્વો કોઈ વિક્ષેપ ન પહોંચાડે તે સુનિશ્ચિત કરાશે. આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ કેન્દ્રીય દળોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. બિહાર સરકારને સ્થાનિક પરિવહન, લોજિસ્ટિક્સ, રહેઠાણ અને કેન્દ્રીય દળોની અન્ય જરૂરિયાતો અંગે તાત્કાલિક ર્નિણયો લેવા વિનંતી કરાઇ છે. સીએપીએફ કંપનીઓની તમામ ગતિવિધિઓની જાણ દરરોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કરશે.
વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનમાં બેઠક ફાળવણી અંગે ચર્ચા શરૂ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષના મહાગઠબંધ ઇન્ડિયાની બેઠકની ફાળવણી મુદ્દે આંતરિક વાતચીતનો દોર શરૂ થયો છે. ગઈકાલે તેજસ્વી યાદવના નિવાસસ્થાને ગઠબંધનની બેઠક આશરે પાંચ કલાક ચાલી હતી. બેઠક બાદ વિકાસશીલ ઇન્સાન પાર્ટીના પ્રમુખ મુકેશ સહાનીએ દાવો કર્યો હતો કે, બેઠક ફાળવણીની વાતચીત લગભગ ફાઈનલ છે. આગામી બે દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી અપાશે.
ત્નશ્દ્ભની ૭૧ મળી કુલ ૫૦૦ ઝ્રઇઁહ્લ કંપની તહેનાત
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પૂરતી સંખ્યામાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળો (સીઆરપીએફ) ની તૈનાતી કરાઈ છે. હાલમાં, વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની કુલ ૫૦૦ કંપનીઓ તૈનાત કરાઈ છે. મોટાભાગના દળો રવિવારે બિહાર પહોંચી ગયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારમાં સીઆરપીએફની કુલ ૧૧૮ કંપનીઓ તૈનાત કરાઈ છે, જેમાંથી ૭૧ કંપનીઓ જમ્મુ અને કાશ્મીરથી બોલાવવામાં આવી છે. તે ઉપરાંત બીએસએફ અને સીઆઇએસએફ જેવી મહત્વપૂર્ણ સુરક્ષા એજન્સીઓના જવાનો પણ સામેલ છે.
સાત રાજ્યોમાં આઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી
બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, ચૂંટણી પંચે સાત રાજ્યોમાં આઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીઓની તારીખો પણ જાહેર કરી છે. જેમાં રાજસ્થાનમાં અંતા, જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, પંજાબમાં તરનતારન, ઝારખંડમાં ઘાટશિલા, તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ, મિઝોરમમાં ડંપા અને ઓડિશામાં નુઆપાડાનો સમાવેશ થાય છે. જાેકે, ચૂંટણી પંચે જુદા જુદા રાજ્યો માટે સ્ક્રુટીની અને નામાંકન પાછા ખેંચવાની તારીખોમાં અલગ-અલગ જાેગવાઈઓ કરી છે. જે અનુસાર રાજસ્થાન માટે ચકાસણી ૨૩ ઓક્ટોબર અને નામ પાછા ખેંચવાની અંતિમ તારીખ ૨૭ ઓક્ટોબર રહેશે. જ્યારે મુખ્ય મતદાન અને પરિણામની તારીખો સમાન છે.
૩૦ સપ્ટેમ્બરે મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ
ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, કમિશન દ્વારા મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા ૨૪ જૂન, ૨૦૨૫થી શરૂ કરાઈ હતી. ૧ ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ યાદી અને ૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો વાંધાા માટે અપાયો હતો. જે બાદ ૩૦ સપ્ટેમ્બરે અંતિમ મતદાર યાદી જાહેર કરાઈ હતી. જાેકે, જાે કોઈ ભૂલો રહે તો, જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અપીલ દાખલ કરી શકાય છે.
નીતિશ કુમારની માગણી પંચે નકારી
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સમક્ષ બિહારની ચૂંટણી એક તબક્કામાં યોજવા રાજકીય પક્ષો દ્વારા રજૂઆત કરાઇ હતી. જેમાં ખાસ કરી મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી (જેડીયુ) દ્વારા માગણી કરાઇ હતી. જાેકે, જાહેરાત તેનાથી વિપરીત છે. જાેકે, ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના અમુક પક્ષોએ પણ બે તબક્કાની ચૂંટણીની હિમાયત કરી હતી.
૨૦૧૦માં ૬, ૨૦૧૫માં પાંચ તબક્કા હતા
ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, ૨૦૨૦માં યોજાયેલી વિધાનસભાન ચૂંટણી સુરક્ષા કારણોસર ત્રણ તબક્કામાં યોજવામાં આવી હતી. જાેકે, આ વખતે તેવી કોઈ જરૂરિયાત ન હોવાથી ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. જ્યારે ૨૦૧૦માં બિહાર વિધાનસભાની ચૂંટણી છ તબક્કામાં અને ૨૦૧૫માં પાંચ તબક્કામાં યોજાઈ હતી.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૧૦ મોટા ફેરફારો
૧. બૂથ લેવલ અધિકારીઓને તાલીમ : પ્રથમ વખત બિહાર વિધાનસભાની ચૂંટણીઓ માટે ૯૦,૭૧૨ બૂથ લેવલ અધિકારીઓને વિશેષ તાલીમ અપાઈ છે. ઉપરાંત, ૨૪૩ ઇઆરઓ અને ૩૮ ડીઇઓ પણ હંમેશા હાજર રહેશે, જે ચૂંટણી સંચાલનને વધુ અસરકારક બનાવશે.
૨. પ્રતિ મતદાન મથક મતદારોની નિશ્ચિત સંખ્યા : સરળ મતદાન સુનિશ્ચિત કરવા અને ભીડ ટાળવા માટે, પ્રથમ વખત પ્રતિ મતદાન મથક મતદારોની સંખ્યા ૧,૨૦૦ નક્કી કરાઈ છે. જેની સામે ૮૦૦ જેટલા મતદારો પર મતદાન મથક ફળવાયા છે.
૩. મતદાન મથક પર મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી : મતદારોને મતદાન મથકો પર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી અપાઈ છે. મતદારો ફોન પોતાની સાથે લઈ જઈ શકશે અને જમા કરાવી શકશે. મતદાન કર્યા પછી, તેઓ તેમના ફોન પાછા લઈ શકશે.
૪. ઉમેદવારો માટે નજીકના બૂથ : પ્રથમ વખત, ઉમેદવારોને મતદાન મથકોથી ૧૦૦ મીટરની અંદર તેમના બૂથ બનાવવા મંજૂરી અપાઈ છે. અગાઉ બૂથ દૂર હોવાથી મતદારો અને એજન્ટોને થતી અસુવિધા આ ર્નિણયથી દૂર થશે.
૫. ઈવીએમમાં રંગીન ફોટોગ્રાફ્સ : મતદારોની ઓળખ સરળ અને અનુકૂળ બનાવવા માટે, ઈવીએમમાં ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ્સ અને સીરીયલ નંબરો માટે મોટો ફોન્ટ શામેલ કરવાનો ર્નિણય લેવાયો છે.
૬. ડિજિટલ ઇન્ડેક્સ રિપોર્ટ : વિધાનસભા ચૂંટણીઓ માટે ડિજિટલ ઇન્ડેક્સ રિપોર્ટ તૈયાર કરાશે, જે થોડા દિવસોમાં ઉપલબ્ધ થશે. દરેક બૂથનું વેબકાસ્ટિંગ પણ કરાશે.
૭. રાજ્ય બહારના સામાન્ય નિરીક્ષકોની સમાન સંખ્યા : પ્રથમ વખત ૨૪૩ બેઠકો માટે સમાન સંખ્યામાં રાજ્યની બહારના સામાન્ય નિરીક્ષકો તૈનાત કરાશે.
૮. ઇન્ફોર્મેશન એપ્સ : મતદારો તેમની બૂથ-લેવલ ઓફિસર સાથે વાત કરવા અને ચિંતાઓ જણાવવા માટે ચૂંટણી પંચ નેટ એપ ડાઉનલોડ કરી શકે છે અથવા ૧૯૫૦ પર કૉલ કરી શકે છે. સમગ્ર ચૂંટણી મશીનરી ફક્ત એક કોલ દૂર છે.
૯. મત ગણતરીના નિયમોમાં ફેરફાર : ઈવીએમના છેલ્લા બે રાઉન્ડ પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ કરવી જરૂરી રહેશે. ત્યારબાદ વીવીપેટ ગણતરી પોસ્ટલ બેલેટની ગણતરી પછી તરત જ કરવામાં આવશે.
૧૦. ફોર્મ ૧૭સી અને વીવીપેટ મેળ ન ખાતા સંપૂર્ણ ગણતરી : મતદાર માહિતી સ્લિપમાં ફેરફારો કરવામાં આવ્યા છે. જાે ફોર્મ ૧૭સી (ઈવીએમ પરના મત) અને વીવીપેટ વચ્ચે કોઈ મેળ ખાતો નથી, તો તે ઈવીએમ સાથે સંકળાયેલ વીવીપેટની સંપૂર્ણ ગણતરી કરાશે. જે પારદર્શિતા માટે મહત્વપૂર્ણ પગલું છે.
Loading ...