આથી અમે નીચે સહી નહીં કરનાર મેયરશ્રી સહિતની વડોદરા પાલિકાની સમગ્ર ચૂંટાયેલી પાંખ,

મ્યુ.કમિ.સહિતની સમગ્ર વહિવટી પાંખ તથા ચૂંટાયેલી પાંખ પર આડકતરો કબજાે ધરાવતી ભારતીય

જનતા પાર્ટીની વડોદરા શહેર શાખાના શહેર પ્રમુખ સહિતના તમામ પદાધિકારીઓ

આ સાથે આપને જાહેરમાં જણાવીએ છીએ કે

આગામી તા.૧૮ જૂનના રોજ વડાપ્રધાન અને અમારા આરાધ્ય દેવ શ્રી નરેન્દ્ર મોદી વડોદરાની રૂબરૂ મુલાકાતે આવી રહ્યા હોઈ અને તેમની શકય તે તમામ રીતે ચાપલુસી કરી તેમની અમીદ્રષ્ટિ મેળવવામાં અને તેમની ‘ગુડબુક’માં આવવામાં વ્યસ્ત હોવાથી તેઓ વડોદરાથી પરત પાછા ફરે ત્યાં સુધી અમારા પાસે નિમ્નલિખિત કોઈપણ બાબતે કોઈપણ કામની અપેક્ષા રાખવી નહીં.

(૧) ચોમાસું માથે હોવા છતાં વરસાદી કાંસોની સાફસફાઈ અને રસ્તાઓ પરના અધુરા તમામ કામો પુરા કરી ચોમાસામાં કોઈ દુર્ઘટના થતી અટકાવવાની અગમચેતી વાપરવાની અપેક્ષા રાખવી નહીં.

(૨) શહેરમાં દાયકાઓથી ચાલતી રખડતાં ઢોરોની સમસ્યા દૂર કરવા ગાયોને પકડવાની દેખાડા પૂરતી કાર્યવાહીની પણ અપેક્ષા રાખવી નહીં.

(૩) પીવાના દૂષિત પાણીની સમસ્યા અંગે આગામી ૧૮ જૂન સુધી તો તમારી ફરિયાદો સાંભળવામાં પણ આવશે નહીં એ સ્પષ્ટ નોંધી લેશો.

(૪) સ્માર્ટ સિટીના નામને બટ્ટો લગાડતા ગંદકીના ઢગલાં દૂર કરવાનું હાલ કામચલાઉ બંધ રહેશે અને તે કારણે ફેલાતા રોગચાળા માટે અમે જવાબદાર રહીશું નહીં.

(૫) નિયમિત વેરો ભરતાં સામાન્ય નાગરિકોના પાલિકાને લગતા સામાન્યથી માંડી અત્યંત મહત્વના કોઈપણ પ્રશ્નો માનનીય નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત દરમ્યાન ધ્યાનમાં લેવાશે નહીં.

(૬) માનનીય નરેન્દ્ર મોદીના પ્રવાસમાર્ગ પરના ગેરકાયદે રોકાણો તો અમે તેમની ચાપલુસીના ભાગરૂપે જાતે જ દૂર કરી રહ્યા છીએ પરંતુ અન્ય વિસ્તારના આવા ગેરકાયદે દબાણો નાગરિકો માટે ગમે તેટલા ત્રાસરૂપ હોય અમે તે તરફ ધ્યાન આપીશું નહીં.

(૭) ટૂંકમાં અગાઉ અમે દેખાડા પરતા પણ સામાન્ય નાગરિકોના સંપર્કમાં હતા. તેમની સમસ્યાઓ સાંભળતા હતા તથા તે દૂર કરવાના પ્રયત્નોનો અભિનય પણ કરતા હતા પરંતુ હાલ જયારે અમારા ઈષ્ટદેવ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સ્વંય પધારી રહ્યા છે. ત્યારે અમે તેમને ‘ખુશ કરવાના’ એક માત્ર મુખ્ય કામ સિવાય અન્ય કોઈ જ કામ પર ધ્યાન આપીશું નહીં તેની આ સાથે નોંધ લેવી.

(૮) પ્રમાણિકપણે વેરા ભરતા નાગરિકોને આ સાથે વિનંતીરૂપે આદેશ છે કે આગામી તા.૧૮ જૂનના રોજ વડાપ્રધાનશ્રીનું વિશેષ વિમાન ફરી દિલ્હી તરફ ઉડીને જાય નહીં ત્યાં સુધી અમારુ અન્ય કોઈ બાબતે ધ્યાન ભંગ કરવું નહીં.