નવી દિલ્હી-

મ્યાંમારમાં રાજકીય અરાજકતા સર્જાતાં લોકોએ ભારતમાં ઘૂસણખોરી શરૃ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે મ્યાંમારમાં લશ્કરી બળવો થયો તે પછી ૩૮૩ મ્યાંમારના નાગરિકોએ મિઝોરમમાં ઘૂસણખોરી કરી હતી.

ગૃહ મંત્રાલયે મિઝોરમના અધિકારીઓને એલર્ટ જારી કર્યો હતો. છ સરહદી જિલ્લામાં મ્યાંમારના નાગરિકો ઘૂસી ગયા હતા. તેના પગલે સરકારે સ્થાનિક સરકારી અધિકારીઓને સાવધાન રહેવાનો આદેશ આપ્યો હતો.

સરકારી આંકડાં પ્રમાણે ૨૯૭ લોકોનું વેરિફિકેશન થયું હતું, જેમાં એ મ્યાંમારના નાગરિકો હોવાનું સાબિત થયું હતું. ૮૬ લોકોના વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મ્યાંમારના મોટાભાગના ઘૂસણખોરોએ દાવો કર્યો હતો એ પ્રમાણે એ લોકો મ્યાંમારના પોલીસ વિભાગમાં કે ફાયર સર્વિસ વિભાગમાં કાર્યરત છે. પરંતુ એ માટેના કોઈ જ દસ્તાવેજ તેમની પાસે ન હતાં.

ભારત-મ્યાંમાર વચ્ચે ૧૪૦૦ કિલોમીટર જેટલી સરહદ છે. એમાં નદીઓનો પણ સમાવેશ થાય છે. ઘણાં ઘૂસણખોરો નદી પાર કરીને ભારતના મિઝોરમમાં ઘૂસી જાય છે. ભારત-મ્યાંમારની સરહદ જે રાજ્યોમાં સ્પર્શે છે, તે મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને અરૃણાચલ પ્રદેશને ગૃહ મંત્રાલયે એલર્ટ આપીને ઘૂસણખોરી અટકાવવાની સૂચના આપી હતી. મ્યાંમારમાં લશ્કરી બળવો થયો તે પછી તુરંત સરકારે મ્યાંમારના નાગરિકોની ઘૂસણખોરી રોકવા માટે રાજ્યોને એલર્ટ જારી કર્યો હતો. અગાઉ મ્યાંમારમાં લશ્કર અને સ્થાનિક સમુદાય વચ્ચે ઘર્ષણ થયું ત્યારે પણ ભારતની સરહદે ઘૂસણખોરી વધી ગઈ હતી.