15, સપ્ટેમ્બર 2025
મહેસાણા |
2376 |
છ અન્ય ગંભીર રીતે દાઝી ગયા હતા
મહેસાણા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં અકસ્માતના બે અલગ-અલગ બનાવોમાં ચાર શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. રવિવારે સાંજે મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા મંડાલી ગામ નજીક ફેબહિંદ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વીજકરંટ લાગવાથી બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને છ અન્ય ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ ધટના અંગે મળતી વિગતો મુજબ કંપનીમાં ક્રેન મશીન બંધ પડી જતાં કેટલાક શ્રમિકો તેને ધક્કો મારીને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન ક્રેનનો ઉપરનો ભાગ હાઈ ટેન્શન વીજ લાઈનને અડી જતાં પ્રચંડ ઘડાકો અને વીજકરંટ લાગતા બિહારના રહેવાસી બે યુવાનો દીપક અશોક ચૌધરી અને મિતરંજન કુમાર ચૌધરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય છ શ્રમિકોને ગંભીર રીતે દાઝી ગયા હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ તુરંત ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે.