બ્રિટનમાં ગેરકાયદે વસાહતીઓ સામે લાખો સ્થાનિકો રસ્તા પર ઉતર્યા
15, સપ્ટેમ્બર 2025 લંડન   |   2277   |  

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ પછી હવે બ્રિટનમાં પણ વંશીય દેખાવો

વસાહતી વિરોધી સમર્થકોએ મારામારી કરતા 26 પોલીસ જવાન ઘાયલ

દુનિયામાં શ્વેત અને અશ્વેત વિશેષરૂપે વસાહતીઓ વિરુદ્ધ ફરી ગજગ્રાહ વધી રહ્યો છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ દેખાવો થયા પછી હવે બ્રિટનની રાજધાની લંડનમાં ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલની માગ કરતા એક લાખ કરતાં વધુ સ્થાનિક અંગ્રેજ લોકોએ દેખાવો કર્યા હતા. બ્રિટનના કટ્ટર જમણેરી નેતા ટોમી રોબિન્સનના નેતૃત્વમાં યુનાઈટેટ ધ કિંગ્ડમ' બેનર હેઠળ લંડનના વ્હાઈટ હોલ ક્ષેત્રમાં વિશાળ રેલી યોજાઈ હતી, જે સંસદ ભવન નજીક પૂરી થઈ હતી. જોકે, આ જ સ્થળે રંગભેદ, ફાસીવાદ વિરુદ્ધ કાઉન્ટર રેલી યોજાઈ હતી. જેથી બંને સમર્થકો આમને-સામને આવી ગયા હતા.

બ્રિટિશ સંસદ ભંગ કરવા, સ્ટાર્મર સરકાર બદલવાની માગ કરતા ઈલોન મસ્કે કહ્યું, સ્થાનિક લોકોએ લડવું અથવા મરવું પડશે બ્રિટનના વિવાદાસ્પદ કટ્ટરવાદી જમણેરી નેતા ટોમી રોબિન્સને એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં એક લાખથી વધુ લોકો યુરોપીયન અને બ્રિટિઝ ઝંડા તથા સેન્ટ જ્યોર્જ ક્રોસ સાથે દેખાવો કર્યા હતા. તેમણે અમને અમારો દેશ પાછો જોઈએ છે, ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ઈસ્લામ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. આ રેલી યોજનાર ટોમી રોબિન્સનને આ વર્ષે જ જેલમાંથી છોડાયા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution