દિલ્હીમાં મહિલા કારચાલકની અડફેટે કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું મોત
15, સપ્ટેમ્બર 2025 નવી દિલ્હી   |   2574   |  

દિલ્હીના ધૌલા કુઆન વિસ્તારમાં રિંગ રોડ પર અકસ્માત

ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગના ઉપસચિવ નવજોત સિંહનું દિલ્હીના ધૌલા કુઆન વિસ્તારમાં રિંગ રોડ પર અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. નવજોત સિંહ તેમની પત્ની સાથે બંગલા સાહિબ ગુરુદ્વારાથી હરિ નગર સ્થિત તેમના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે એક લક્ઝરી કારે તેમની બાઈકને ટક્કર મારી હતી, જેમાં તે અને તેમની પત્ની બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.બંનેને જીટીબી નગર સ્થિત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ નવજોતને મૃત જાહેર કર્યા હતા.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તેમના પત્નીની હાલત ગંભીર છે. અકસ્માતમાં આરોપી મહિલા ડ્રાઈવર અને તેના પતિ પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કાર જપ્ત કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કારમાં સવાર દંપતી ગુરુગ્રામના રહેવાસી છે.

પોલીસના જણાવ્યાનુસાર, દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશનને ધૌલા કુઆંથી દિલ્હી કેન્ટ મેટ્રો સ્ટેશન તરફ ટ્રાફિક જામ અંગે ત્રણ પીસીઆર કોલ મળ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે રસ્તા પર ત્રાંસા રીતે પાર્ક કરેલી એક લક્ઝરી કાર જોઈ, જ્યારે મેટ્રો પિલર નંબર 57 પાસે ડિવાઈડર પાસે એક મોટરસાઈકલ પડી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે નવજોત સિંહની બાઈકને ટક્કર મારનાર કાર એક મહિલા ચલાવી રહી હતી.

પસાર થતા લોકોએ ટેક્સી બુક કરાવી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત નવજોત અને તેમની પત્નીને જીટીબી નગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ પોલીસને હોસ્પિટલ તરફથી માહિતી મળી કે નવજોતનું મૃત્યુ થયું છે, જ્યારે તેની પત્નીની હાલત પણ ગંભીર છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution