/
પ વર્ષમાં શહેર-જિલ્લાનું ધોરણ ૧૦ નું સૌથી ઓછું ૬૦.૧૯% પરિણામ જાહેર

વડોદરા, તા.૯

મંગળવારના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત વર્ષની સરખામણીએ ૬.૮૪%ના ઘટાડા સાથે વડોદરા શહેરનું પરિણામ ૬૦.૧૯% નોંધાયું છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું છે. પરિણામમાં ઘટાડાની સાથે એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ૨૦૧ થી ઘટીને ૮૩ પર પહોંચી છે. જ્યારે ૩૦%થી ઓછું પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યા ૪૨થી વધીને ૮૨ પર પહોંચી છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ ૧૦ની પરીક્ષા માટે વડોદરા શહેર-જિલ્લામાંથી કુલ ૩૮,૪૪૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૩૮,૧૩૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડ દ્વારા આજરોજ ધોરણ ૧૦ના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. વહેલી સવારથી બોર્ડની વેબસાઈટ પર લોકોના ધસારાને કારણે વેબસાઈટ થોડા સમય માટે બંધ પડી ગઈ હતી. જોકે, ૮ વાગ્યાથી પરિણામો મળવાનાં શરુ થઇ જતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. પરિણામોની ચર્ચા કરીએ તો, પરીક્ષા આપનાર ૩૮,૧૩૫ વિદ્યાર્થીઓ પૈકી ૨૨૯૫૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જેના કારણે વડોદરાની ટકાવારી ૬૦.૧૯% નોંધાઈ છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી અને ગત વર્ષ કરતા ૬.૮૪% ઓછી છે. વડોદરામાં ગત વર્ષે ૨૦૧ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો હતો. જેની સામે આ વર્ષે માત્ર ૮૩ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવવાપાત્ર ઠર્યા છે. શાળાઓના પરિણામની વાત કરીએ તો, ગત વર્ષે ૪૨ શાળાઓના પરિણામ ૩૦%થી ઓછા હતા.જ્યારે, આ વર્ષે ૮૨ શાળાઓના પરિણામ ૩૦%થી ઓછા નોંધાયા છે. આ ઉપરાંત ગત વર્ષે ૧૦૦% પરિણામ ધરાવતી ૧૬ શાળાઓ હતી. જે આ વર્ષે ઘટીને ૧૫ થઇ છે. શહેરમાં પાંચ શાળાઓ એવી છે કે જેમાંથી પરીક્ષા આપનાર એકપણ વિદ્યાર્થી ઉતીર્ણ નથી થયો.કેન્દ્રો પ્રમાણે વાત કરીએ તો ગત વર્ષના ૧૪ કેન્દ્રોની સરખામણીએ આ વર્ષે નવા બે કેન્દ્રોનો ઉમેરો થયો છે. સતત બીજા વર્ષે સૌથી વધુ પરિણામ કારેલીબાગ કેન્દ્રનું ૮૩.૮૪% નોંધાયું છે. જ્યારે સતત બીજા વર્ષે વારસિયા કેન્દ્ર ૩૯.૧૪% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્ર તરીકે નોંધાયું છે. વડોદરા શહેરના કુલ ૧૬ કેન્દ્રો પૈકી નવા નોંધાયેલા મકરપુરા, તરસાલી કેન્દ્રના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ ૧.૮૩%નો વધારો નોંધાયો છે. 

કારેલીબાગનું ૮૩.૮૪% અને વારસિયાનું ૩૯.૧૪% 

કેન્દ્ર ૨૦૨૦ ૨૦૧૯ તફાવત 

અલકાપુરી ૭૩.૫૭% ૭૯.૨૮% ૫.૭૧% 

સયાજીગંજ ૬૪.૪૫% ૬૬.૫૮% ૨.૧૩% 

રાવપુરા ૭૨.૯૨% ૭૭.૬૪% ૪.૭૨% 

માંડવી ૫૪.૪૯% ૬૭.૫૭% ૧૩.૦૮% 

કારેલીબાગ ૮૩.૮૪% ૮૬.૬૫% ૨.૮૦% 

મકરપુરા ૭૨.૪૯% ૭૭.૭૭% ૫.૨૮% 

અકોટા ૬૫.૨૬% ૭૮.૫૧% ૧૩.૨૪% 

વાસણા ૮૧.૨૫% ૮૨.૬૫% ૧.૪૦% 

ગોત્રી ૫૨.૮૫% ૬૬.૬૧% ૧૩.૭૬% 

સમા ૭૮.૩૩% ૮૨.૬૩% ૪.૩૦% 

ઇન્દ્રપુરી ૬૮.૪૯% ૭૬.૩૪% ૭.૮૪% 

આજવા રોડ ૬૫.૬૫% ૭૩.૨૬% ૭.૬૦% 

વારસિયા ૩૯.૧૪% ૪૫.૦૫% ૫.૯૧% 

કારેલીબાગ-૧૫૪.૧૧% ૬૩.૦૪% ૮.૯૩% 

માંજલપુર ૬૭.૪૬% ૭૫.૯૦% ૮.૪૪% 

તરસાલી ૭૦.૦૬% ૬૮.૨૩% ૧.૮૩% 

ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા 

ગ્રેડ ૨૦૨૦ ૨૦૧૯ 

એ-૧ ૮૩ ૨૦૧

એ-૨ ૧૪૪૪ ૧૭૧૪ 

બી-૧ ૩૨૧૩ ૩૬૮૫ 

બી-૨ ૪૭૮૩ ૫૮૦૫ 

સી-૧ ૬૯૨૩ ૮૩૯૬ 

ગ્રેડ ૨૦૨૦ ૨૦૧૯ 

સી-૨ ૫૬૮૬ ૬૭૪૩ 

ડી ૮૨૭ ૪૫૧ 

ઈ-૧ ૮૬૯૫ ૨૭૭૭ 

ઈ-૨ ૬૪૮૬ ૧૦,૫૦૫ 

એક કેન્દ્ર પર જુલાઈમાં પૂરક પરીક્ષા યોજાશે 

બોર્ડની પરીક્ષા આપ્યા બાદ એક કે બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડે જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા યોજવાનું નક્કી કર્યું છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. એક વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે ૧૩૦ રૂપિયા જ્યારે બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે ૧૮૫ રૂપિયા પરીક્ષા ફી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં માત્ર માંડવી કેન્દ્ર પર પરીક્ષા યોજવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution