વડોદરા, તા.૨૫

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વર્ષથી વધુ સમય એક જ જગ્યાએ ફરજ બજાવનાર નાયબ ઈજનેર કક્ષાના ૪૦ ઇજનેરોની સામૂહિક બદલીના હુકમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કરતાં પાલિકા વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હુકમમાં ૧૨થી ૧૩ કરાર આધારિત કે જેઓના કરાર હજુ ફરી રિન્યૂ થયા નથી તેવાની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બજાવનાર ડેપ્યુટી એન્જિનિયરની પણ બદલી કરવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ, વિવિધ પ્રોજેક્ટ જેવા કે રોડ વિભાગ, ડ્રેનેજ, હાઉસિંગ એન્ડ બિલ્ડિંગ, પાણી પુરવઠા અને વોર્ડ કક્ષાએ ફરજ બજાવતા નાયબ ઈજનેર કક્ષાના જેઓ ત્રણ વર્ષથી વધુ સમય એક જ જગ્યા પર ફરજ બજાવે છે તેવા ૪૦ જેટલા એન્જિનિયરોની સામૂહિક બદલીઓ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તાજેતરમાં મેયર કેયુર રોકડિયા સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી, જે આધારે ગઈકાલે કોર્પોરેશનના કમિશનરે ૪૦ ડેપ્યુટી એન્જિનિયરની સામૂહિક બદલીના હુકમ કરતાં પાલિકા વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે .આ હુકમમાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી એન્જિનિયરોની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે કોર્પોરેશનમાં કરાર આધારિત ફરજ બજાવતા ૧૨થી ૧૩ જેટલા એન્જિનિયરો કે જેના કરાર રિન્યૂ કરવામાં આવ્યા નથી તેવા ઈજનેરોની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે પાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટમાં કે પ્રોજેક્ટ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક એન્જિનિયરોને વોર્ડ કક્ષાએ કે ઝોન કક્ષાએ બદલી કરવામાં નહીં આવતાં એન્જિનિયરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હુકમમાં કમિશનરે બદલીની જગ્યાએ તાત્કાલિક હાજર થવા હુકમમાં સૂચના આપી છે.