વડોદરા,તા.૧૪

 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓનો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષાર્થીઓનું ફુલો,ગોળ - ધાંણા અને ઢોલ નગારા સાથે સ્વાગત સાથે પ્રારંભ થયો છે. બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષામાં આજે ધોરણ-૧૦નું ગુજરાતીનું પેપર હતું. પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. પરીક્ષાર્થીઓ એક આત્મવિશ્વાશ સાથે પરીક્ષાની તૈયારીઓ કરી પરીક્ષા આપવા આવ્યા હતા. પરીક્ષાર્થીઓએ જણાવ્યુ હતુ કે અમારા શૈક્ષણિક કેરીયરની મહત્વની જાહેર પરીક્ષા આપી રહ્યા છે. મહેનત કરી છે. અને પરીક્ષા આપવા તૈયાર છીએ.

  ધો. ૧૦ અને ધો,૧૨ ની બોર્ડ પરીક્ષાનાં પ્રારંભે પ્રથમ દિવસે વડોદરા શહેર જિલ્લામાં ધોરણ ૧૦માં ૩૯,૩૯૧ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે ૪૨૪ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૩૩૮ પરીક્ષાર્થીઓ એ પરીક્ષા આપી હતી. જયારે ૮૪ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. કોમર્સમાં ૧૫૬૨૪ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને ૧૪૮ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

 ધોરણ ૧૦ માં બોર્ડ પરીક્ષામા પરીક્ષાર્થીઓ પ્રથમવાર જાહેર પરીક્ષા આપી રહ્યા છે. અને ધોરણ ૧૦ નું ગુજરાતીનું પેપર હતુ. જયારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક શાસ્ત્ર અને કોમર્સમાં એકાઉન્ટનું પેપર હતુ

અંગ્રેજી ભાષાનાં પેપરમાં રખડતા ઢોરનો સવાલ પૂછાયો

 ધોરણ ૧૦ ના બોર્ડ પરીક્ષામાં અંગ્રેજી પેપર અને ગુજરાતી પેપર સરળ પ્રશ્નો સાથે નિકળતા પરીક્ષાર્થીઓ માટે સરળ રહ્યુ હતુ. ભાષાનાં આ પ્રશ્નપત્રમાં રસપ્રદ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા વિસ્તારનો નાગરિકો માટે સળગતો પ્રશ્નને અંગ્રેજી વિષયમાં રખડતા પશુઓનો મુદ્દે સવાલ પૂછાયો હતો. રખડતા ઢોરના સમસ્યા અંગે કમિશ્નરને ફરિયાદ કરતો પત્ર લખવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જયારે અંગ્રેજી પેપરમાં શિક્ષણમાં ટ્યૂશન પ્રથા જરૂરિયાત કે દૂષણ જેવો સંવેદનશીલ શિક્ષણ સંબધિત વિષય પર નિબંધ પુછવામાં આવ્યો હતો.

ભાષાના ૫ેપરમાં સારો સ્કોર મળવાની આશા

ધોરણ ૧૦નું ભાષાનું પેપર હોવાથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતીનું તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને આજે અંગ્રેજીનું પેપર હતું. વિદ્યાર્થીઓના બન્ને પેપર સરળ રહ્યા હતા. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનાં પરીક્ષાર્થીઓને પેપર સંપન્ન થયા બાદ વિશ્વાશ વ્યકત કર્યો હતો તેઓ ભાષાનાં પેપરમાં સારો સ્કોર મેળવી શકશે.