06, જુલાઈ 2025
દાહોદ |
1980 |
ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી, કેમ કે બે દિવસ અગાઉ યોજાયેલા રાજ્ય સરકારના મહત્વના ત્રણ કાર્યક્રમમાં તેઓને બાકાત રાખવામાં આવ્યા. તેમજ બે દિવસ અગાઉ જેલવાસ ભોગવી રહેલા તેમના બે પુત્રોના જામીન પણ રદ થયા. અને વધુ માઠા સમાચાર મંત્રીના માટે આવ્યા છે કે ધારાસભ્ય સહિત કોંગ્રેસનું એક ડેલીગેશન રાજ્યપાલને મળ્યું છે અને મંત્રી બચુભાઈ ખાબડને મંત્રી પદ પરથી દૂર કરવાની વાત કરી છે. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ છે. તેમની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. ગુજરાત સરકારના બે દિવસ અગાઉ ત્રણ મોટા કાર્યક્રમો યોજાયા હતા. અને આ ત્રણે કાર્યક્રમોમાં બચુભાઈ ખાબડની બાદબાકી કરવામાં આવી હતી. અને ગાંધીનગરમાં પણ સરપંચોનું સંમેલન મળ્યું હતું. અને તે સંમેલનમાં પણ જે પંચાયત વિભાગના મંત્રી છે, તેવા રાજ્ય કક્ષાના મંત્રી બચુખાબડની બાદબાકી થઈ હતી. જે કાર્યક્રમના આમંત્રણ પત્રમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ બંનેનાં નામ હતાં. પરંતુ રાજ્યકક્ષાના પંચાયત વિભાગના મંત્રી બચ્ચું ખાબડને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. મંત્રીના આવા કપરાં સમયમાં જેલવાસ ભોગવી રહેલા તેમના બંને પુત્રોએ મૂકેલી તેમની રેગ્યુલર જામીન અરજી પણ દાહોદની કોર્ટે ફગાવી દીધી છે. કેમકે કોર્ટે આ મામલાની ગંભીરતા ધ્યાને લીધી છે. અને તે પ્રકારે તેઓના જામીન રદ કરવામાં આવ્યા. અને વધુ એક સમાચાર મંત્રી માટે મુસીબત ઊભી કરે તેમ છે. કેમકે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા તથા કેટલાક ધારાસભ્યો સહિત કોંગ્રેસના નેતાઓનું ડેલિગેશન ગુજરાતના રાજ્યપાલ પાસે પહોંચ્યું હતું. અને તેમને માંગણી કરી છે કે, તેમના પુત્રો પણ ભ્રષ્ટાચારના મામલામાં હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. તે કારણસર તે પોતે નૈતિક ધોરણે રાજીનામું નથી આપતા, અને આ મામલે સરકારની પણ કોઈ ઈચ્છા શક્તિ નથી જેથી તેમને મંત્રી પદેથી દૂર કરવાની માગણી કરી છે. રાજ્યપાલ સમક્ષ કરેલી પોતાની રજૂઆતમાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને કથીત મિલીભગતથી ગામથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓ સાથેના મેળાપીપણામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર કરવા વાળા લોકો સામે કાયદેસર કેસ કરવાની કે દાખલા રૂપ કાર્યવાહી કરવાની સહેજ પણ ઈચ્છા શક્તિ રાજ્યના મુખ્યમંત્રી તથા સરકારમાં દેખાતી નથી. તમે જેમને સંવિધાનના નામે નિષ્ઠાપૂર્વક કામ કરવાના શપથ લેવડાવ્યા હતા. એવા રાજ્ય સરકારના મંત્રીના બંને દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. જેમની સામે ભ્રષ્ટાચારના પૂરતા પુરાવા છે. અને ભ્રષ્ટાચાર સાબિત થઈ ચૂક્યો છે અને જે જેલવાસ ભોગવી રહ્યા છે. તેમ છતાં તેઓ નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી. એમને પદ પરથી દૂર કરવાની હિંમત કદાચકારણે સરકારમાં પણ નથી, તો તેમને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા માટેની કાર્યવાહી કરવા મહામહિમ રાજ્યપાલને વિનંતી કરી છે. હવે આ મામલે રાજ્યપાલ શું ર્નિણય કરે છે, તે તો આવનાર સમય જ બતાવશે પરંતુ હાલ તો કોંગ્રેસના ડેલીગેશનની રાજ્યપાલ સાથેની મુલાકાતે મંત્રી બચુભાઈ ખાબડની ચિંતા જરૂર વધારી દીધી છે.