17, જુલાઈ 2025
ઢાકા |
2277 |
સુરક્ષા દળોના ફાયરિંગનો ભોગ બન્યા હોવાનો આરોપ
બાંગ્લાદેશ ઘરેલુ હિંસાની આગમાં ભભૂકી રહ્યું છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના શહેર ગોપાલગંજમાં અવામી લીગ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હિંસામાં ચાર લોકો માર્યા ગયા છે. જ્યારે 9 થી વધુ લોકોને ઈજાઓ થઈ છે. આ હિંસા ગોપાલગંજમાં શેખ હસીનાના સત્તા પલટો કરાવનારી વિદ્યાર્થીઓની પાર્ટી એનસીપીના આંદોલન પહેલાં થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, બુધવારે ગોપાલગંજ વર્ચ્યુઅલ યુદ્ધ ભૂમિમાં તબદીલ થયુ હતું. અહીં દિવસભર આગચાંપી, હિંસા અને ગોળીબાર થયા હતાં. સુરક્ષા દળો દ્વારા ફાયરિંગ થતાં ચાર લોકોનો મોત અને અનેક ઘવાયા હોવાનો આરોપ વિદ્યાર્થી સંગઠને મૂક્યો છે.
હિંસામાં આડેધડ થઈ રહેલા ગોળીબારમાં 8 થી વધું લોકો ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા હતાં. તેમને ગોપાલગંજ જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ગોળીબારમાં અન્ય નવ લોકો પણ ઘાયલ થયા હતાં. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ સ્થિતિ ગંભીર છે.
ગોપાલગંજમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ ની વધું ચાર ટીમ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા અધિકારીઓએ ઉપદ્રવીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે, ગોપાલગંજમાં બુધવારે રાત્રે આઠ વાગ્યાથી 22 કલાકનો કરફ્યુ લાદવાનો આદેશ અપાયો હતો. એનસીપી પર હુમલો કરનારા હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગઈકાલે બપોરે આશરે 1.45 વાગ્યે લગભગ 200-300 સ્થાનિક અવામી લીગ સમર્થકો લાકડી-ડંડા લઈ સીએનપી રેલીમાં પહોંચ્યા હતાં. જ્યાં અચાનક હુમલો કર્યો હતો. પોલીસ પર પણ હુમલો કરતાં પોલીસ કર્મી પણ જીવ બચાવવા નજીકમાં આવેલી કોર્ટના પ્રાંગણમાં પહોંચ્યા હતાં. બાદમાં એનસીપી નેતા અને કાર્યકરો ત્યાંથી જતાં રહ્યા હતાં. આ હુમલો કરનારા લોકો અવામી લીગના સમર્થક હોવાનું કહેવાઈ રહ્યું છે.