17, જુલાઈ 2025
લદ્દાખ |
2475 |
સ્વદેશી વિકસિત એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું
ભારતીય સેનાએ લદ્દાખ ક્ષેત્રમાં 15,000 ફૂટથી વધુની ઊંચાઈએ સ્વદેશી રીતે વિકસિત આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ના વરિષ્ઠ અધિકારીઓ અને એર ડિફેન્સ યુનિટ દ્વારા આ આ નવી સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
પરીક્ષણ દરમિયાન સપાટીથી હવામાં પ્રહાર કરતી આકાશ મિસાઇલે ખૂબ જ ઊંચી ગતિએ ઉડતા હવાઈ લક્ષ્યો પર સચોટ નિશાન સાધ્યું હતું. આ પરીક્ષણ ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આકાશ પ્રાઇમ સિસ્ટમ હવે ભારતીય સેનાના હવાઈ સંરક્ષણના ત્રીજા અને ચોથા એકમનો ભાગ બનશે. હવે આ નવી સિસ્ટમ સેનાના બે વધુ એકમોમાં સમાવવામાં આવશે જેથી દુશ્મનના હવાઈ હુમલાઓ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડી શકાય.
આકાશ પ્રાઇમ 15 હજાર ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરી શકાય છે. તે લગભગ 25-30 કિલોમીટરના અંતરે સ્થિત લક્ષ્ય પર પ્રહાર કરી શકે છે.તેમજ આ સફળ પરીક્ષણથી ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ પણ મળ્યો છે કે ભારતીય સેના સતત મજબૂત થઈ રહી છે. આકાશ પ્રાઇમ એ હવાઈ સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાતી હાલની આકાશ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન છે. આ સિસ્ટમ સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીક્વન્સીથી સજ્જ છે. તેમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્ત્વનો સુધારો એ છે કે તેનો ઉપયોગ સૌથી ઊંચા પર્વતીય વિસ્તારોમાં ભારે ઠંડીમાં પણ ચોકસાઈ સાથે થઈ શકે છે.