17, જુલાઈ 2025
ચંદીગઢ |
2475 |
કોર્ટે આરોપીઓની વધુ પૂછપરછ માટે 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા
પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ દ્વારા પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સને ગુપ્ત લશ્કરી માહિતી લીક કરવા બદલ ભારતીય સેનાના એક સેવારત સૈનિકની ધરપકડ કરી છે. પંજાબ પોલીસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, આરોપીની ઓળખ દેવિન્દર સિંહ તરીકે થઈ છે, જે સંગરુર જિલ્લાના નિહાલગઢ ગામનો રહેવાસી છે. તેની 14 જુલાઈના રોજ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરીથી ધરપકડ કરવામાં આવી હતી.
આ ધરપકડ એક પૂર્વ સૈનિક ગુરપ્રીત સિંહ ઉર્ફે ગુરી અથવા ફૌજીની ધરપકડ બાદ કરવામાં આવી છે, જેની જાસૂસીના આરોપ હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ગુરપ્રીત સિંહની પૂછપરછમાં જાણવા મળ્યું કે, જ્યારે તે ફિરોઝપુર જેલમાં હતો, ત્યારે દેવિન્દર સેનાના સંવેદનશીલ દસ્તાવેજો મેળવવામાં સામેલ હતો. આ દસ્તાવેજોમાં કથિત રીતે ગુપ્ત માહિતી હતી, જે તેણે પાકિસ્તાનના ISIને સોંપી હતી.
દેવિન્દર સિંહની ધરપકડ બાદ, અધિકારીઓએ તેને 15 જુલાઈના રોજ મોહાલી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીઓની વધુ પૂછપરછ માટે 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, દેવિન્દર અને ગુરપ્રીત પહેલી વાર 2017માં પુણેના એક આર્મી કેમ્પમાં ટ્રેનિંગ દરમિયાન મળ્યા હતા. ત્યારબાદ, બંને સંપર્કમાં રહ્યા અને બાદમાં બંનેને સિક્કિમ અને જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટ કરવામાં આવ્યા.
ભારતીય સેનામાં તેમની સેવા દરમિયાન, બંને પાસે ગુપ્ત સૈન્ય સામગ્રી સુધીની પહોંચ હતી, જેમાંથી અમુક કથિત રૂપે ગુરપ્રીત દ્વારા લીક કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે, જાસૂસી નેટવર્કમાં દેવિંદરની સટીક ભૂમિકાની હજુ સુધી તપાસ ચાલી રહી છે.