17, જુલાઈ 2025
નવી દિલ્હી |
2178 |
બાયોમેટ્રિક માહિતી, ફિંગરપ્રિન્ટ અને આઈરિસ તેમજ ચહેરો અપડેટ કરાવવો પડશે
UIDAI પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોના આધાર કાર્ડને લઈને મહત્ત્વની માહિતી આપી છે. જેમાં બાળકોનું આધાર કાર્ડ પાંચ વર્ષની ઉંમર પહેલા બનાવવામાં આવ્યું હોય તો તેને 7 વર્ષની ઉંમર પહેલા તેમની બાયોમેટ્રિક માહિતી, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ તેમજ ચહેરો અપડેટ કરાવવો પડશે. જો આ નહીં કરાવવામાં આવે તો તેમનો આધાર નંબર ડિએક્ટિવેટ થઈ જશે.
નાનપણમાં આધાર બનાવતા સમયે ફક્ત નામ, જન્મ તારીખ, સરનામું અને ફોટા જેવી માહિતી લેવામાં આવે છે. કારણ કે, તે સમયે તેમની બાયોમેટ્રિક જાણકારી સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતી. આ અપડેટ એટલે પણ જરૂરી છે કારણ કે, તેનાથી બાળકોને શાળામાં પ્રવેશ પરીક્ષા, છાત્રવૃત્તિ અને DBT જેવી સેવાઓમાં મુશ્કેલી થઈ શકે છે. UIDAI એ બાળકોના માતા-પિતાને આ વાતની સૂચના SMSના માધ્યમથી મોકલવાની શરૂ કરી દીધી છે.
બાળકોના આધારમાં બાયોમેટ્રિક ડિટેલ્સ અપડેટ કરાવવા માટે નજીકના કોઈપણ આધાર સેવા કેન્દ્ર અથવા સત્તાવાર કેન્દ્ર પર જાવ. આનાથી બાળકોનો ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ અપડેટ થશે.
આ માટે સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાવ. હવે ‘My Aadhaar’ સેક્શન પર ક્લિક કરો અને "Locate an Enrolment Center" અથવા "Aadhaar Seva Kendra" નો વિકલ્પ પસંદ કરો. ‘State’ અથવા ‘PIN Code’થી સર્ચ કરો. Captcha દાખલ કરો અને ‘Locate a Center’ પર ક્લિક કરો. ત્યારબાદ તમને નજીકના તમામ Aadhaar Seva Kendraની યાદી મળી જશે.
0-5 વર્ષના બાળકો માટે ફક્ત ફોટો-ડેમોગ્રાફિક માહિતી અપડેટ કરવી મફત છે. 5-7 વર્ષના બાળકો માટે, પ્રથમ બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત અને વિનામૂલ્યે છે. 7 વર્ષ પછી, 15 વર્ષ સુધી આધારમાં વિગતો અપડેટ કરવા માટે 100 રૂપિયાનો ચાર્જ છે. 15 થી 17 વર્ષની ઉંમરે બીજી અપડેટ કરાવવું પણ વિનામૂલ્યે છે.