સાયબર હુમલાથી સતત બીજા દિવસે યુરોપના એરપોર્ટ પર હજારો પ્રવાસી અટવાયા
22, સપ્ટેમ્બર 2025 બ્રસેલ્સ   |   3960   |  

બ્રસેલ્સને ફટકો, 75 ફ્લાઇટ રદ, હાથથી બનાવેલા બોર્ડીંગ પાસ, મેન્યુઅલ કામગીરી કરવી પડી

કોલિન્સ એરોસ્પેસ સિસ્ટમ્સ પર થયેલા મોટા સાયબર હુમલાને કારણે યુરોપના મુખ્ય એરપોર્ટ્સ સતત બીજા દિવસે પણ વ્યાપક વિક્ષેપનો થતા હજારો મુસાફરો અટવાયા હતા. શુક્રવારે મોડી રાતથી બ્રસેલ્સ, લંડન અને બલનના એરપોર્ટ્સે તેમની ઈલેક્ટ્રોનિક ચેક-ઈન સિસ્ટમમાં ગંભીર ખામીનો સામનો કરવો પડયો, જેના કારણે સ્ટાફને હાથથી બનાવેલા બોર્ડીંગ પાસ અને બેકઅપ લેપટોપ સહિત મેન્યુઅલ કામગીરી પર પાછા ફરવાની ફરજ પડી. જ્યારે અનેક અન્ય યુરોપિયન એરપોર્ટ્સ પર ખાસ અસર નહોતી પડી પણ લક્ષ્યાંક કરાયેલા હબ પર મુસાફરોને નોંધપાત્ર વિલંબ અને ફ્લાઈટો રદ થવાનો અનુભવ થયો.

આ સાયબર હુમલામાં ખાસ કરીને પેસેન્જર ચેક-ઈન, બોર્ડીંગ પાસ, બેગ ટેગ અને સામાન ડિસ્પેચનું સંચાલન કરવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. આરટીએક્સ કોર્પ.ની યુએસ સ્થિત પેટાકંપની કોલિન્સ એરોસ્પેસે 'સાયબર-સંબંધિત વિક્ષેપ'ની પુષ્ટિ કરી હતી પરંતુ સ્રોતનો ઉલ્લેખ નથી કર્યો. નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે સંભવિત ગુનેગારો હેકર્સ અને ગુનાહિત નેટવર્કથી લઈને રાજ્ય-પ્રાયોજિત ગુનેગારો હોઈ શકે છે.

રવિવાર સુધીમાં, લંડનના હીથ્રો અને બલનના બ્રાન્ડેનબર્ગ એરપોર્ટ પર રિકવરીના સંકેતો દેખાઈ રહ્યા હતા, છતાં બ્રસેલ્સ પર ભારે અસર પડી હતી. એરપોર્ટ પ્રવક્તા ઈહસાને ચિઉઆ લેખલીએ અહેવાલ આપ્યો હતો કે રવિવારે બ્રસેલ્સમાં ૪૫ આઉટબાઉન્ડ અને ૩૦ ઈનબાઉન્ડ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જે આગલા દિવસ કરતા બમણાથી વધુ હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution