વિશ્વની સૌથી મોટી લોકશાહી છતાં મુદ્દાનો નહીં,પણ ચહેરાનો મહિમા

લેખકઃ કેયુર જાની


ભારતીય લોકશાહીમાં ચૂંટણીઓ નેતાકેન્દ્રી વધુ રહી છે.ભારતમાં લોકશાહીની વિધિવત સ્થાપના થઇ ત્યારથી આજ સુધી ચૂંટણીઓ મહદંશે મુદ્દાકેન્દ્રી કરતાં વ્યક્તિ કેન્દ્રી કે નેતાકેન્દ્રી રહી છે. આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાનો ગર્વ ભલે લેતા હોઈએ પરંતુ પ્રજાતંત્રમાં પ્રજા નેતાકેન્દ્રી, જ્ઞાતિકેન્દ્રી, પ્રાંતકેન્દ્રી કે પરિવારકેન્દ્રી રહીને મતદાન કરતી હોય છે. દેશની ચૂંટણીઓમાં મોટાભાગે મુદ્દા આધારિત નેતાઓ કરતાં પરિવાર કે જ્ઞાતિ આધારિત નેતાઓ વધારે ફાવ્યા છે. જ્ઞાતિને આધારે વોટ માંગતા આવા નેતાને મેન્ડેટ ન મળે પરંતુ તેમની જ જ્ઞાતિના અન્ય નેતાને મેન્ડેટ મળે ત્યારે જ્ઞાતિના ગૌરવ સમા તે નેતા તે ર્નિણય સહન કરી શકતા નથી. કેમકે પ્રજાતંત્રમાં પ્રજાએ નેતાને આજીવન માલિકી હક આપી દીધો હોય તેવી રાઈ ભરાઈ ચુકી હોય છે.


સામ્યવાદી ચીનમાં પ્રજાતંત્ર માટે કહેવાય છે કે જનતા સમુદ્ર સમાન છે. નેતા આ સમુદ્રમાંથી ઉઠતું મોજું છે. સમુદ્રના પાણીએ જ તેને મોજાનું સ્વરૂપ આપી સપાટીથી ઉપર ઉઠાવ્યું હોય છે. સમુદ્રનું પાણી અને મોજાનું પાણી એક જ હોય છે, પરંતુ મોજાની ઊંચાઈ વધુ હોય છે. તે સપાટીથી ઉપર ઉઠે છે. પ્રજા સમુદ્ર છે જયારે ઉપર ઉઠેલો નેતા મોજું છે. નેતા પ્રજામાંથી જ એક હોય છે જે સપાટીથી ઉપર ઉઠયો હોય છે. મોજાનો આધાર સમુદ્ર હોય છે. નેતાએ થોડો સમય માટે ઉપર ઉઠી ફરી પ્રજામાં જ ભળી જવાનું હોય છે. પ્રજા વચ્ચેથી ઉપર ઉઠેલો નેતા પ્રજાના પ્રશ્નોને જાણતો હોય છે. સમસ્યાઓથી વાકેફ હોય છે જેથી તેના નિરાકરણ માટે પ્રયત્ન કરે છે તેવી લોકશાહીની વિભાવના છે. પ્રજાની સમસ્યાઓનો ઉકેલ સાધી આપવાના વચનને ચૂંટણીમાં મુદ્દા તરીકે ઓળખવામાં આવે છે. પ્રજાને વધુ સારી રીતે સમજે ,પ્રજા સાથે જે સારી રીતે કનેક્ટ કરી શકે તેને પ્રજા ચૂંટે છે, તેનું નિર્વાચન થાય છે. ચૂંટણી મુદ્દા આધારિત હોવી જાેઈએ. લોકશાહીમાં મુદ્દા મહત્વના હોય છે પરંતુ આપણી લોકશાહી પાયામાંથી જ વ્યક્તિલક્ષી રહી છે. ફલાણા નેતાને જીતાડવાના છે, તેવી નેતાલક્ષી મતદાન કરવું આપણી ઓળખ રહી છે. પક્ષની રચના વિચારધારા ઉપરથી થાય છે પછી એક વ્યક્તિ આવી પોતાનું તેવું વર્ચસ્વ જમાવી દે છે કે તે પક્ષનો પોસ્ટર બોય બની જાય છે. માત્ર ફેસવૅલ્યુથી વોટ માંગવામાં આસાની રહે છે કેમકે સવાસો કરોડની જનતાના સવાસો કરોડ મુદ્દ્‌દાઓ છે. હવે સમસ્યાઓના નિરાકરણ કરી આપવાના વચનના આધારે પ્રજાને એકસૂત્રમાં બાંધવી કપરું કામ છે. માત્ર ફેસવૅલ્યુ ઉપરથી વોટ આપવાની ફાવટ ભારતીય લોકશાહીમાં પ્રજાને સાત દાયકાથી આવડી ચુકી છે.


 નિર્વાચન સમયે વચન આપવા પડે છે, જેનું નિર્વાચન પછી પાલન કરવાનું હોય છે. નિર્વાચન પછી નેતા નિર-વચન બને ત્યારે પ્રજા તેને પડકારતી હોય છે. તેના નેતૃત્વનો અસ્વીકાર કરતી હોય છે. અહીં સમુદ્રની સપાટીથી ઉપર ઉઠેલા મોજાઓએ પ્રજાના માનસ ઉપર લોકતંત્ર એટલે વોટ આપીને જ્ઞાતિ, જાતિ, પ્રદેશ, ભાષા, ધર્મને મજબૂત કરવો તેવું ઠસાવી દીધું છે. પ્રજાતંત્રને બચાવવું એટલે ફલાણા નેતાની જય-જયકાર કરવી. જબ તક સુરજ ચાંદ રહેગા ..નેતાજી કે નામ રહેગા... એ આપણને બીજા મુદ્દાઓ કરતા વધુ સ્પર્શે છે .ભારતની લોકશાહીમાં સૌથી અવિશ્વસનીય શબ્દ છે સેક્યુલરિઝમ. આ અવિશ્વાસ ઉભો કરવાનું કુકર્મ કથિત બુદ્ધિજીવીઓએ કર્યું છે. સેક્યુલરિઝમ શબ્દની અવળી વ્યાખ્યાઓ કરીને દેશમાં સૌથી વધુ જુઠ્ઠું બોલાયું છે.


સેક્યુલરિઝમ શબ્દ હવે એટલો વગોવાઈ ગયો છે કે લોકો બુદ્ધિજીવીઓ માટે સેક્યુલરિઝમની આગળ “સ્યુડો” શબ્દ લગાવવાનું પણ જરૂરી નથી સમજતા. સેક્યુલરિઝમ શબ્દના સગવડીયા ઉપયોગથી બહુમત પ્રજા સતત છેતરાયા હોવાનો અનુભવ કરતી રહી. ઇરાદાપૂર્વકના ખંધા નિવેદનોએ ભારતમાં જનમાનસના વિચારવાની અને દેશમાં રાજકારણની દિશા બદલી નાંખી છે. હવે ગરીબી, બેરોજગારી કે સરકારી યોજનાઓના લાભ કરતાં વધુ અસર સેક્યુલરિઝમના નામ ઉપર અન્યાયની થાય છે. જ્યાં અમદાવાદ કરતા ઇસ્લામાબાદ માટે વકાલત થતી જાેવા મળે ત્યાં પ્રજામાં છૂપો આક્રોશ જન્મે છે. જે ઈવીએમના બટનના બઝરના અવાજથી શાંત થાય છે. ભારતમાં હવે સત્તા સોંપવા નહીં પરંતુ સત્તાથી દૂર રાખવાના આક્રોશ સાથે પ્રજા વોટિંગ કરતી હોવાનું તારણ ચૂંટણી સમીક્ષકો ટીવીના પડદે પ્રાઈમ ટાઈમમાં ઘાંટા પાડીને જણાવતા હોય છે. વાત સાચી પણ છે.


સંવિધાનમાં નેતાઓને નીતિવાન બનવાના નિયમ નથી લખવામાં આવ્યા. પ્રજા વચ્ચેથી ઉઠેલા નેતા માટે તમામ વર્ગ માટે સમાનતા ન હોય ત્યારે તે પ્રજા પક્ષપાતી નેતા તથા પાર્ટીને સબક શીખવી જાય છે. વોટિંગ પહેલા પક્ષપાતની ચર્ચા માટે લોકશાહીનો ચોતરો ક્યારેય ખાલી નથી રહેતો. ચોતરા ઉપર આવા મુદ્દાઓ સતત ચર્ચાયા કરે છે. અન્ય મુદ્દાઓ કરતા પ્રજાના આક્રોશને સમજીને તે ઉગ્રતાને વાચા આપી વ્યકુળતાને વોટમાં તબદીલ કરી શકે તે રાજ કરે છે. આ રોતે લોકશાહી પોતાના માટે રાજાનો રાજ્યભિષેક કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution