અમદાવાદ-

ગુજરાતની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને તેની નિકાસ પણ સારી એવી થાય છે. જાેકે, કોરોનાની વર્તમાન સ્થિતિએ નિકાસ વેપારની મીઠાશ સતત બીજા વર્ષે પણ ફિક્કી રહેવાની સંભાવના છે. ગુજરાતમાં દર વર્ષે ૩-૩.૫ લાખ ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. વેપારીઓ અને નિકસકારોના જણાવ્યા અનુસાર કુલ ઉત્પાદનમાંથી ૨૦-૨૫% કેરી જાપાન, અમેરિકા, ગલ્ફના દેશો, યુરોપ, કેનેડા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના હોવાથી ઘણા દેશોમાંથી હજુ નિકાસ પૂછપરછ શરૂ થઈ નથી.

જુનાગઢની સુમિત બાગ એન્ડ નર્સરીના ઓનર સંજય વેકરીયાએ જણાવ્યું કે, સામાન્ય સંજાેગોમાં એપ્રિલ મહિનામાં અમારી પાસે નિકસકારોની પૂછતાછ શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના હોવાથી હજુ સુધી કોઈ ઇન્ક્‌વાયરી આવી નથી. ગત વર્ષે થોડા વેપાર હતા પણ આ વર્ષે તો નિકાસ થવાની સંભાવના નહિવત લાગી રહી છે.

કેસર કેરીની નિકાસ કરતાં શૈલેષ ચૌહાણે જણાવ્યું કે, ગત વર્ષે પણ કોરોનાએ એક્સપોર્ટ બિઝનેસને અસર કરી હતી અને આ વર્ષે પણ મોટો ફટકો પડી શકે છે. અત્યારે ઘણા દેશોમાંથી કોઈ ઇન્કવાયરી જ નથી. નિકાસકારો તરફથી ૭૦-૭૫% ઓછી પૂછપરછ છે. જે દેશમાંથી પૂછપરછ આવે છે તેના માટે સમયસર ફ્લાઇટ મળવી પણ મુશ્કેલ છે.

શૈલેષ ચૌહાણે જણાવ્યું કે, વર્તમાન સંજાેગોમાં વિમાનના ભાડામાં ઘણો વધારો થયો છે. સામાન્ય સંજાેગોમાં ફ્રેઇટ રેટ રૂ. ૮૦ પ્રતિ કિલો રહેતું હતું તે અત્યારે વધીને રૂ. ૨૪૦-૨૫૦ પ્રતિ કિલો થયું છે. બીજી તરફ કેરીનાં ભાવ અત્યારે રૂ. ૧૦૦-૧૨૦ પ્રતિ કિલો ચાલે છે. આ હિસાબે કેરીની કિમત કરતાં ભાડું જ બમણું થઈ ગયું છે. આ સાથે જ કોરોના હોવાથી કાર્ગો અને પેસેન્જર ફ્લાઇટ પણ ઓછી છે એટલે નિકાસકારો પણ ઓર્ડર બૂક નથી કરી રહ્યા.